નવી દિલ્હીઃ ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ જારી છે. તેની વચ્ચે આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનો દાવો છે કે ટ્વિટરે લગભગ એક કલાક તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ રાખ્યું હતું. ટ્વિટરનું આ અંગે કહેવાનું હતું કે તમે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનો ભંગ કર્યો છે. તેના પછી ટ્વિટરે એકાઉન્ટ અનલોક કર્યુ.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરની મનમાની અને અસહનશીલતાને લઈને મેં જે ટિપ્પણીઓ કરી છે સ્પષ્ટ રીતે તેણે તેનો બદલો વાળ્યો છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ પ્લેટફોર્મ ગમે તે કરી લે પરંતુ આઇટીને લઈને તેણે નવો કાયદો માનવો પડશે. તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે. ટ્વિટરની કાર્યવાહી બતાવે છે કે તે બોલવાની આઝાદીની તરફેણમાં નથી. તેને ફક્ત પોતાનો એજન્ડા ચલાવવામાં જ રસ છે.
આઇટી, માહિતી અને પ્રસારણ તથા ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વિટરની કાર્યવાહી આઇટીના નિયમોની વિરુદ્ધ છે. એકાઉન્ટ લોક કરતાં પહેલા ટ્વિટરે મને કોઈ નોટિસ ન આપી. આ દર્શાવે છે કે ટ્વિટરે નિયમોને માનવા ઇચ્છતું નથી. જો ટ્વિટર નવા નિયમોનું પાલન કરતું હોત તો તે કોઈ પણ એકાઉન્ટને તેની ઇચ્છા મુજબ લોક ન કરત.
ઉલ્લેખનીય છે કે ટિવટર અને કેન્દ્ર સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારનું કહેવું છે કે ટિવટરે નવો નિયમ માનવો પડશે. નવા નિયમો હેઠળ ટિવટર, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ વધારાના ઉપાય કરવા પડશે. તેમા ભારતમાં મુખ્ય નિયમપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક સામેલ છે.
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી શશી થરૂરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ લોક કરવા અંગે જણાવ્યું હતું કે તેમના જેવી ઘટના મારી સાથે પણ થઈ હતી. હું પણ તે સમયે આઇટી મિનિસ્ટર જ હતો. એક ગાવાના વિડીયોને ટિવટરે વાંધાજનક ગણાવીને તેની સામે કાર્યવાહી કરતા મારુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. આમ આગામી સમયમાં હવે ટિવટર અને ભારત સરકાર વચ્ચેનો જંગ કેવું પરિણામ લાવે છે તે જોવાનું રહ્યું.