કાનપુરઃ ઉત્તરપ્રદેશ પોલીસે શુક્રવારની રાતે કાનપુરમાં એક મહિલાના મૃત્યુ પછી માફી માંગી છે. આ મહિલાનું મૃત્યુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમન વખતે લાદવામાં આવેલા ટ્રાફિકના પ્રતિબંધોના લીધે થયું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ ઉત્તરપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તે પોતાના વતન એવા ગામ જશે, જે કાનપુર ગ્રામીણમાં આવે છે. તે કાલે રાત્રે ટ્રેનથી કાનપુર પહોંચ્યા હતા અને સોમવાર અને મંગળવાર લખનૌમાં વીતાવશે.
મૃત્યુ પામનારી ૫૦ વર્ષીય મહિલા વંદના મિશ્રા ઇન્ડિયન એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના કાનપુર ચેપ્ટરના મહિલા વિંગની અધ્યક્ષ હતી. ગઇકાલે રાત્રે ગંભીર રીતે માંદા પડવાના લીધે તેના કુટુંબીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.
અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે મિશ્રા તાજેતરમાં જ કોવિડમાંથી બહાર આવી હતી. મિશ્રાની સ્થિતિ કટોકટીપૂર્ણ થઈ હોવાથી તેને હોસ્પિટલ લાવવામાં આવી રહી હતી. તે સમયે રાષ્ટ્રપતિ કોવિંદ કાનપુર પહોંચ્યા હતા. તેમના કાફલાને જવા દેવા માટે પોલીસે ટ્રાફિક વાહન વ્યવહાર થંભાવી દીધો. આ જ માર્ગ પર મિશ્રાનુ કુટુંબ આવી રહ્યું હતું.
આના લીધે વાહનવ્યવહાર પર અસર પડી અને મિશ્રાની સારવારમાં વધારે વિલંબ થયો. મિશ્રાને હોસ્પિટલ લઈ પહોંચ્યા ત્યારે તરત જ મૃત્યુ પામેલી જાહેર કરી દેવાઈ. આ મામલા પર કાનપુર પોલીસ વડા અસીમ અરુણે ટવીટ કર્યુ હતું કે કાનપુર પોલીસ અને મારી તરફથી વંદના મિશ્રાના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. આ એક એવી ઘટના છે જે ભવિષ્ય માટે મોટો પદાર્થપાઠ છે. અમે પ્રતિજ્ઞાા કરીએ છીએ કે અમારી માર્ગ પ્રણાલિ એવી હશે કે નાગરિકોને ઓછામાં ઓછા સમય માટે રોકવામાં આવે અને આવી ઘટનાઓ બીજી વખત ન થાય.
એક અન્ય ટવીટમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ કોવિંદ આ ઘટનાથી વ્યથિત છે. પોલીસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ પોલીસ વડા અને જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કરીને ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેમણે અધિકારીઓને વ્યક્તિગત રીતે તેના કુટુંબ સાથે સંવેદના વ્યક્ત કરવા જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીને તપાસ કરવા જણાવાયું છે. આ ઘટના બદલ એક સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારી વંદના મિશ્રાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે ઘાટ પર પણ પહોંચ્યા હતા.