વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ કાર્યક્રમ મોદી સરકાર 2.0નો આ 25મો અને ઓવરઓલ 78મો એપિસોડ છે. કાર્યક્રમમાં તેમણે મધ્યપ્રદેશના બેતુલના એક ગામના લોકો સાથે વાત કરી. ગામના લોકોએ તેમને જણાવ્યું હતું કે અહીંયા વેક્સિન બાબતે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી મૃત્યુ થઈ રહ્યું છે.
તેમને જવાબ આપતાં વડાપ્રધાને કહ્યું કે વેક્સિન અંગે કોઈ ભ્રમ ફેલાવવો ન જોઈએ. મેં અને મારા માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તમારા ગામમાં જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે, તેમાં કોઈ સત્ય નથી. આપણા દેશના 20 કરોડથી વધુ લોકોએ આ વેક્સિન લીધી છે. એવું કંઈ જ નથી. તમે પણ વેક્સિન લો. અને બીજાને પણ વેક્સિન લેવા માટે પ્રેરણા આપો.
મિલ્ખા સિંહને યાદ કર્યા
દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન એથલીટને કોણ ભૂલી શકે છે. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણાંથી છીનવી લીધા.વડાપ્રધાને વધુમાં કહ્યું કે જ્યારે તે હોસ્પિટલમાં હતા, ત્યારે મને તેની સાથે વાત કરવાની તક મળી હતી. તેમની સાથે વાત કરતી વખતે, મેં તેમને વિનંતી કરી. મેં કહ્યું હતું કે તમે 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેથી આ વખતે જ્યારે આપણાં ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે ટોક્યો જઈ રહ્યા છે, ત્યારે તમારે આપણાં રમતવીરોનું મનોબળ વધારવું પડશે, તેમને તમારા સંદેશથી પ્રેરણા આપવાની છે.
2014માં સુરત આવ્યા હતા મિલ્ખા સિંહ
મિલ્ખા સિંહને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ રમત પ્રત્યે એટલા સમર્પિત અને જુસ્સાદાર હતા કે માંદગીમાં પણ તેઓ તરત જ તેમાં સહમત થઈ જતાં, પરંતુ, દુર્ભાગ્યે, નિયતિને કંઈક બીજું મંજૂર હતું. મને હજી યાદ છે કે તે 2014 માં સુરત આવ્યા હતા. અમે નાઈટ મેરેથોનનું ઉદ્ઘાટન કર્યું. તે સમયે તેમની સાથે ગપસપ થઈ, રમતો વિશે જે વાત થઈ તેનાથી મને ખૂબ પ્રેરણા મળી હતી. આપણે બધા જાણીએ છીએ કે મિલ્ખા સિંહ જીનો આખો પરિવાર રમત ગમતને સમર્પિત રહ્યો છે, ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.
જ્યારે ટેલેન્ટ, સમર્પણ, નિશ્ચય અને સ્પોર્ટ્સમેનશીપ એક સાથે આવે છે, ત્યારે વ્યક્તિ ચેમ્પિયન બને છે. આપણા દેશમાં, મોટાભાગના ખેલાડીઓ નાના શહેરો, નગરો, ગામડામાંથી નીકળીને બહાર આવે છે. ટોક્યો જઇ રહેલા આપણાં ઓલિમ્પિક ટીમમાં પણ આવા ઘણા ખેલાડીઓ સામેલ છે, જેમનું જીવન ખૂબ પ્રેરણા આપે છે.
ટોક્યો ઓલિમ્પિકમાં જઇ રહેલા ખેલાડીઓનું મનોબળ વધારીએ
મોદીએ ટોક્યો જઇ રહેલા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, તમામ ખેલાડીઓનો પોતાનો સંઘર્ષ, વર્ષોની મહેનત રહી છે. તે ફક્ત પોતાના માટે જ નથી જય રહ્યા, પણ દેશ માટે જઇ રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતનું ગૌરવ પણ વધારવું પડશે અને લોકોનાં દિલ પણ જીતવા પડશે અને તેથી મારા દેશવાસીઓ, હું તમને પણ સલાહ આપવા માંગું છું, આપણે આ ખેલાડીઓ પર જાણી અથવા અજાણતાં પણ દબાણ લાવવાની જરૂર નથી, પરંતુ દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે તેમને ખુલ્લા મનથી સાથ આપવાનો છે, દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે સોશ્યલ મીડિયા પર તમે #Cheer4India સાથે આપણાં આ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી શકો છો. જો તમે કંઈક વધુ નવીન કરવા માંગતા હો, તો તે પણ જરૂરથી કરો. જો તમને એવો કોઈ વિચાર આવે છે કે જે આપણાં ખેલાડીઓ માટે દેશે મળીને કરવું જોઈએ, તો તમે ચોક્કસપણે મને તે મોકલશો. આપણે બધા મળીને ટોક્યો જઈ રહેલા આપણાં ખેલાડીઓને સપોર્ટ કરીએ- ચીયર ફોર ઈન્ડિયા.