C.R.Patil ની ટકોર : તમે માત્ર PM Modi, કાર્યકરો અને BJP ના જોરે જીત્યા છો, કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને કરેલા સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપી ચીમકી. જે પણ વિજેતા ઉમેદવારો કાર્યકરોનું ધ્યાન નહીં રાખે તેમને ચલાવી લેવામાં નહીં આવે. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને કાર્યકરોનું અપમાન ક્યારે પણ ચલાવવામાં નહીં આવે તેવી ચીમકી ભાજપ અધ્યક્ષે આગેવાનોને આપી હતી.

સીઆર પાટીલે પોતાના સંબોધનમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન તો પાઠવ્યા પણ સાથે જ યાદ કરાવ્યું કે તેમની આ જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પક્ષની લોકપ્રિયતાના કારણે છે. કોઈપણ ઉમેદવાર પોતાની લોકપ્રિયતાથી જીત્યા હોવાનું ઘમંડ રાખતો હોય તો એ વહેમ વહેલી તકે દૂર કરે તેવી ટકોર પણ તેમણે કરી હતી. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને ચૂંટણીમાં કાર્યકરોના દમ પર જ લડે છે.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વારંવાર કહેતા જોવા મળ્યાં કે ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ તેમણે કહ્યું હતું કે, ભાજપનું પહેલું બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. બીજું બ્રહ્માસ્ત્ર ભાજપના કાર્યકરો છે. આજે પણ તેમણે આ જ વાત વિજેતા ઉમેદવારોને યાદ કરાવી હતી. કારણકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત બાદ કેટલાક સ્થળો પર કાર્યકરોની અવગણનાની ફરિયાદો તેમના સુધી પહોંચી હતી.

જે ફરી વાર ન થાય અને કાર્યકરોનું પણ માન જળવાય તેના માટે તેમણે આકરી ચીમકી આપી હતી. આ વાત આ પહેલા તેઓ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને પણ કહી ચુક્યા છે, અને ભાજપ અધ્યક્ષ પોતાના આ જ સ્પષ્ટ અને કડક વલણ માટે કાર્યકરોમાં લોકપ્રિય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *