Nadiad: પ્રજાના ટેક્સના પૈસાનું આચર્યું લાખોનું કૌભાંડ

નડીયાદ નગરપાલિકામાં કર્મચારીઓ દ્વારા ટેક્સ  એન્ટ્રીમાં છેડછાડ કરી રૂ.25 લાખનું કૌભાંડ આચવામાં આવ્યું હતું. જે મામલામાં કૌભાંડી આરોપીઓ કેટલાક મહિનાઓથી ભાગતા ફરતા હતા. જેમને નડીયાદ ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નડિયાદ (Nadia) નગરપાલિકામાં 2017 થી 2020 દરમિયાન ટેક્સની કામગીરી ચાલી રહી હતી.જે દરમ્યાન 2020 માં ટેક્સ (Tax) માં પાંચ પાંચ સાત જેટલા કિસ્સામાં ભૂલો હોવાનું ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટને જણાઈ આવ્યું હતું. જેને લઇ તેમના દ્વારા પ્રમુખ અને ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં નગરપાલિકામાં ટેક્સની જે રકમ વસૂલ થવી જોઈએ તેની ભરપાઈ થતી ન હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ ખોટી એન્ટ્રી કરી ઉચાપત કરી હોવાનું જણાઈ આવ્યું હતું.જે મામલે તપાસ કરતા રૂ.25 લાખ ઉપરાંતની ઉચાપત કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવવા પામ્યું હતું.

જેને લઇ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવતા કાસમભાઈ મૌલવી, અનિલભાઈ ઠાકોર અને સુનિતાબેન મિસ્ત્રીએ ચીફ ઓફિસર સમક્ષ નાણાં ભરપાઇ કરવા અંગેની કબુલાત કરી હતી.

જે બાદ પાલિકા સાથે વિશ્વાસઘાત અને રકમની છેતરપિંડી કરવા બાબતે ત્રણ આરોપીઓ વિરૂદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે મામલામાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *