જમ્મુમાં ફરી જોવા મળ્યું ડ્રોન, એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

નવી દિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી સ્ટેશન પાસે ફરીથી એક ડ્રોન જોવા મળ્યું છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે.

ફરી ડ્રોન જોવા મળ્યું
મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે લગભગ અઢી વાગે આ ડ્રોન જોવા મળ્યું. જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયું. સુરક્ષાદળોએ આ ડ્રોન કૂંજવાની, સુંજવાન, કલૂચક પાસે જોયું.  સેનાને મોડી રાતે આ ડ્રોન અંગે જાણકારી મળી હતી. પહેલા રત્નુચકમાં રાતે 1.08 વાગે, ત્યારબાદ કુંજવાનીમાં 3.09 વાગે અને પછી કુંજવાનીમાં સવારે 4.19 વાગે આ ડ્રોન જોવા મળ્યું હ તું. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલુ છે.

ડ્રોન ઊંચાઈ પર હતું આથી ત્રણ જગ્યાએથી જોવા મળી રહ્યું હતું. પરંતુ એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ એક ડ્રોન હતું કે પછી ત્રણ અલગ ડ્રોન હતા. જો કે થોડા સમયમાં જ તે ગાયબ થઈ ગયું હતું.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ NIA ને સોંપાઈ
અન્ય એક મહત્વના અપડેટ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે.

આ અગાઉ પણ જોવા મળ્યા હતા ડ્રોન
જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ રવિવારે રાતે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના રવિવાર રાત 10 વાગ્યાની અને સોમવારે વહેલી સવારે 3 વાગ્યાની છે. સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જોવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા.

એરફોર્સ સ્ટેશન પર હુમલો
અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી. પરંતુ હજુ સુધી તેના આતંકી હુમલો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવાય છે કે સરહદ પારથી આ હરકતને અંજામ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *