બિહારના રાજકારણમાં લોકજન શક્તિ પાર્ટી ને કારણે એક બાદ એક રાજકીય વળાંકો આવી રહ્યાં છે. ચિરાગ પાસવાન ની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી થયા બાદ અકે બાજુ તે હજી પણ પોતાને અધ્યક્ષ મને છે. તો બીજી બાજુ હવે બિહારના વિરોધપક્ષમાં ચિરાગ પાસવાનની બોલબાલા વધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક એવી રાજકીય ઘટના ઘટી છે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે LJP નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે બિહારમાં ભાજપ અને JDU ના નેતૃત્વ વાળી NDA ગઠબંધનની સરકાર છે. ગત બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુથી અલગ લડેલા ચિરાગ પાસવાને હવે ગુજરાતમાં આવી ભાજપના સિનિયર નેતા સાથે ગુપ્ત બેઠક કરી હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં કૌતુક ઉભું કર્યું છે.
ચિરાગ પાસવાનની LJP ના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી
LJP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 15 જૂન, મંગળવારે સંસદીયદળના નેતા પશુપતિ કુમાર પારસના ઘરે મળી હતી. બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાન ને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ સૂરજભાણસિંહની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.LJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
LJPના પાંચ સાંસદોએ કર્યો હતો બળવો
LJPના 6 માંથી 5 સાંસદોએ અધ્યક્ષ ચિરાગ પાસવાન સામે બળવો કર્યો હતો. ચિરાગ પાસવાન ના કાકા પશુપતિ કુમાર પારસ , પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ, ચંદન સિંહ, વીણા દેવી અને મહબૂબ અલી કેસરે બળવો કર્યો હતો. LJP ના કુલ 6 સાંસદોમાંથી આ 5 સાંસદોએ પશુપતિ પારસ પાસવાનને સંસદીયદળના નેતા તરીકે વરણી કરી ચિરાગ પાસવાનની હકાલપટ્ટી કરી હતી.
માતાને અધ્યક્ષ બનાવવા માંગતા હતા ચિરાગ
પક્ષ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાના પ્રયાસોના ભાગ રૂપે ચિરાગ પાસવાન 14 જૂન સોમવારે દિલ્હીમાં તેના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે ગયા. મીડિયા અહેવાલો પ્રમાણે ચિરાગ પાસવાન તેમની માતા રીના પાસવાનને LJP ના અધ્યક્ષ બનાવવાની શરત સાથે પોતે રાજીનામું આપશે તેવી દરખાસ્ત લઈને આવ્યા હતા. ચિરાગ પાસવાને લગભગ દોઢ કલાક રાહ જોઈ. પણ પશુપતિ કુમાર પારસના ઘરના દરવાજા ન ખુલ્યા.