અદાર પૂનાવાલા સહિત 7 લોકો વિરૂદ્ધ કોર્ટમાં અરજી ; કોવિશીલ્ડ લીધા બાદ ન બન્યા એન્ટીબોડી!

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડ લીધા બાદ એન્ટીબોડી ન બનવાના કારણે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર કોર્ટે સંબંધિત થાણાએથી રિપોર્ટ લઈને આગામી સુનાવણી 2 જુલાઈના રોજ કરવાનો આદેશ આપ્યો છે.

જાણવા મળ્યા મુજબ પ્રતાપ ચંદ્ર નામના વકીલે 8 એપ્રિલના રોજ ગોવિંદ હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ તેમનું સ્વાસ્થ્ય કથળતાં 25 મેના રોજ તેમણે એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ નહોતા થયા અને સામાન્ય પ્લેટલેટ્સ પણ અડધાથી ઓછા થઈ ગયા હતા. આ કારણે સંક્રમણનું જોખમ વધી ગયું હતું. પ્રતાપ ચંદ્રએ આ મુદ્દે કોવિશીલ્ડ નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલા વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

વકીલ પ્રતાપ ચંદ્રએ એફઆઈઆર કરવા માટે અદાર પૂનાવાલા સહિત 7 લોકોના નામે કોર્ટમાં આપેલી અરજીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ, આઈસીએમઆરના મહાનિદેશક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ઉત્તર પ્રદેશના નિદેશક, ગોવિંદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લખનૌના નિદેશકને પણ વિપક્ષી પક્ષકાર બનાવ્યા છે.

કોર્ટ પાસેથી આ તમામ વિરૂદ્ધ છેતરપિંડી અને હત્યાના મામલે કેસ દાખલ કરાવવા આદેશ આપવાની માગણી કરી છે. જોકે હાલ કોર્ટે પોલીસ સ્ટેશન પાસેથી રિપોર્ટ માગ્યો છે જેની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *