વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા આજે 30મી જૂનના રોજ સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળશે. કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાને લઈને આ બેઠક સાંજે 5 વાગે ઓનલાઈન યોજવામાં આવશે. પ્રધાન મંડળની બેઠકમાં, કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે ચર્ચા થવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાં ડ્રોન દ્વારા થયેલા હુમલાને બહુ ગંભીરતાથી લીધો છે. આવા હુમલા ફરીવાર ના થાય તે માટે સંભવ છે કે કાયદાની પરીભાષામાં સુધારો કરીને વધુ કડક કરવાના મુસદ્દાને આજની બેઠકમાં મંજૂરી મળી શકે છે. કારણ કે આ મુદ્દા ઉપર ગઈકાલે મોડી રાત સુધી વડાપ્રધાન કાર્યલયમાં બેઠકના દોર સાથે કામગીરીનો ધમધમાટ ચાલ્યો હતો.
આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક મંત્રાલયોની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરે તેવી સંભાવના છે. ખાસ કરીને ચોમાસુ નજીક છે અને ખેતીની સિઝન શરૂ થવાની છે ત્યારે ખેડૂત વર્ગને કોઈ તકલીફ ના પડે તે માટે કૃષિ, સિંચાઈ અને ખાતર મુદ્દે સમિક્ષા કરે તેવુ માનવામાં આવી રહ્યું છે. એક તરફ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે તેમના આંદોલનને અન્ય કોઈ વિશેષ મુદ્દાઓ ના મળે તેવુ આયોજન કરાશે.