Surat : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની કોલેજના વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ ચાલી રહી છે. સરેરાશ 82 ટકા વિદ્યાર્થીઓ હાલ ઓનલાઈન એક્ઝામ આપી રહ્યા છે. 19 જુલાઈથી ઓફલાઇન એક્ઝામ લેવાની શરૂઆત થશે. કોરોના સમય બાદ પહેલી વાર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા જઇ રહી છે.
આ એક્ઝામ છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે. છેલ્લા 4 દિવસમાં લગભગ 400 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં શંકાસ્પદ ગેરરીતિ કરતા ઝડપાયા છે. જોકે ઓનલાઈન એક્ઝામમાં વિદ્યાર્થીઓ કોઈ ગેરરીતિ ન આચરે તેના માટે સ્પેશ્યલ મોનીટરિંગ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 60 વ્યક્તિઓનો સ્ટાફ કામ કરી રહ્યો છે.
એક સ્ક્રીનશોટમાં દેખાય છે કે તે પરીક્ષાર્થી કારમાં છે. પરીક્ષામાં લોગઇન થવા પહેલા કોઈ વિદ્યાર્થી હતો. અને પરીક્ષા આપવા સમયે અન્ય વ્યક્તિ દેખાયો હતો. તે જ પ્રમાણે ઓબ્ઝર્વેશનમાં અન્ય એક વિદ્યાર્થીની પરીક્ષા દરમ્યાન મોબાઈલનો ઉપયોગ કરતી દેખાઈ હતી. જેથી તેનો કેસ પણ ગેરરીતિમાં શંકાસ્પદ કેસ નોંધાયો હતો.
અન્ય એક વિદ્યાર્થી સુતા સુતા પરીક્ષા આપતો નજરે ચડ્યો હતો. તેની બાજુમાં અન્ય એક વિદ્યાર્થી પણ દેખાયો હતો અને તે કઈ બોલતો હોય તેવું પણ દેખાયું હતું. અન્ય એક સ્ક્રીનશોટમાં વિદ્યાર્થી કેમેરા પર હાથ મુકવા ગયો ત્યારે અન્ય વ્યક્તિ પણ દેખાયો હતો. જેથી તેનો પણ ગેરરીતિનો શંકાસ્પદ કેસ બનાવવામાં આવ્યો હતો.
આમ, ઓફલાઇન પરીક્ષામાં નિરીક્ષકો કાપલી કે અન્ય રીતે ચોરીના કેસ પકડતા હતા ત્યાં હવે ઓનલાઈન એક્ઝામમાં સ્ક્રીનશોટ થકી વિદ્યાર્થીઓની ચોરી પકડવામાં આવી રહી છે. જોકે આ મામલે કુલપતિ કે.એન. ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આ શંકાસ્પદ કેસો કહી શકાય. જેમાં તેમના સ્ક્રીનશોટ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જરૂર પડ્યે વિદ્યાર્થીઓને આ મામલે બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવશે.