ઉત્તરાખંડમાં બંધારણીય કટોકટી ટાળવા સીએમ તિરથ સિંહનું રાજીનામુ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે શુક્રવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામુ મોકલી આપ્યું છે. આ સાથે દિલ્હીથી આગમન સાથે સત્તાવાર રીતે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવા તેઓ રાજભવન પહોંચી ગયા હતા. રાવતે તેમના રાજીનામામાં જનપ્રતિનિધિ કાયદાની કલમ ૧૬૧-એ ટાંકીને કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રીપદે નિયુક્ત થયાના છ મહિનામાં ચૂંટાઈને આવી શકે તેમ નથી. આથી બંધારણીય કટોકટી ટાળવા માટે તેમનું રાજીનામું આપવું જરૂરી છે. તિરથસિંહના રાજીનામાના પગલે શનિવારે નવા મુખ્યમંત્રીની વરણી માટે વિધાનસભા પક્ષની બેઠક મળશે. નવા મુખ્યમંત્રી તરીકે સતપાલ સિંહ અને ધનસિંહ રાવતના નામ ચર્ચામાં છે.

તિરથસિંહે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કલમ ૧૬૪-એ હેઠળ તેમણે મુખ્યમંત્રી બન્યા પછી છ મહિનામાં વિધાનસભાના સભ્ય બનવાનું હતું, પરંતુ કલમ ૧૫૧ હેઠળ વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બાકી હોય તો ત્યાં પેટાચૂંટણી યોજી શકાય નહીં. પરિણામે ઉત્તરાખંડમાં બંધારણીય કટોકટી ઊભી ન થાય તે હેતુથી હું મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવા માગું છું.

દિલ્હીમાં પક્ષપ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત પછી ઉત્તરાખંડમાં જોલીગ્રાન્ટ એરપોર્ટ પર ઉતરાણ કરતાં જ રાવત સીધા રાજભવન પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં હવે ચાર મહિના કરતાં ઓછા સમયમાં ત્રીજા મુખ્યમંત્રીની નિમણૂક થશે. વર્તમાન વિધાનસભાના કાર્યકાળમાં ત્રિવેન્દ્રસિંહ રાવત લગભગ ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ ચમોલી દુર્ઘટના પછી ત્રિવેન્દ્રસિંહની જગ્યાએ તિરથ સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ચાર જ મહિના સીએમપદે રહ્યા અને હવે તેમણે રાજીનામુ આપવાની ફરજ પડી છે. ઉત્તરાખંડમાં સર્જાયેલી નવી રાજકીય હલચલને પગલે નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે શનિવારે વિધાનસભા પક્ષની બેઠક મળશે. આ બેઠક માટે નિરિક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરની નિમણૂક કરાઈ છે અને તેઓ શનિવારે દહેરાદૂન જશે.

મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને શુક્રવારે દિલ્હી બોલાવાયા હતા. ઉપરાંત ભાજપના બે વરિષ્ઠ નેતા સતપાલ મહારાજ અને ધનસિંહ રાવતને પણ દિલ્હી બોલાવાયા હતા. તિરથ સિંહે દિલ્હી પ્રવાસ દરમિયાન ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ઉત્તરાખંડમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. એવામાં તિરથસિંહ મુખ્યમંત્રી બન્યા પછી હજી સુધી ગૃહના સભ્ય બની શક્યા નથી. મુખ્યમંત્રીપદે રહેવા માટે છ મહિનાની અંદર ગૃહના સભ્ય બનવું જરૂરી છે. તિરથસિંહ રાવત ૧૦મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમણે ૧૦મી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટાવું જરૂરી હતું. જોકે, હવે બંધારણીય પરિસ્થિતિઓના પગલે રાજ્યમાં પેટા ચૂંટણી યોજાવી શક્ય નથી. આથી તિરથસિંહે બંધારણીય કટોકટી ટાળવા મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવું જરૂરી બન્યું છે.

તિરથસિંહ રાવતની વિદાય પછી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે નવા નામો ચર્ચાઈ રહ્યા છે. હાલ સતપાલ મહારાજ, ધનસિંહ રાવત, રેખા ખંડુરી અને પુષ્કરસિંહ ધામીના નામની ચર્ચા થઈ રહી છે. જોકે, સૂત્રો મુજબ અહીં કોઈ રાજપૂત અથવા સિંહ જાતિના નેતાને જ મુખ્યમંત્રી બનાવી શકાય છે. સાથે જ પક્ષ એ બાબત પર પણ ધ્યાન આપશે કે નવા નેતા વિધાનસભાના સભ્ય જ હોય જેથી ફરીથી બંધારણીય કટોકટીની સ્થિતિ ઊભી ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *