લખનઉ: ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. તેમા ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની 75માંથી 67 બેઠક ભાજપે કબ્જે કરી છે. જિલ્લા પંચાયત અધ્યક્ષની 53 બેઠકો પર આજે ચૂંટણી થઈ હતી. તેમા એટા, સંત કબીર, આઝમગઢ, બલિયા, બામ્પત, જોનપુર અને પ્રતાપગઢને છોડીને બધા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને વિજય મળ્યો છે.
વિપક્ષી સમાજવાદી પાર્ટી (સપા)ના ઉમેદવારોએ એટા, બલિયા, સંત કબીરનગર અને આઝમગઢમાં વિજય મેળવ્યો છે. જોનપુરમાં અપક્ષ, બાગપતમાં રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અને પ્રતાપગઢમાં જનસત્તા દળના ઉમેદવારનો વિજય થયો હતો.
આ પહેલા 22 જિલ્લા પંચાયત વડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.તેમા ભાજપના ૨૧ અને એક સીટ પર સપાના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા. આ મુજબ જોઈએ તો ૬૭ જિલ્લામાં ભાજપ, પાંચ જિલ્લામાં સપા અને એક-એક સીટ પર જનસત્તાદળ અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અને એક સીટ પર અપક્ષને વિજય મળ્યો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીતનું શ્રેય વડાપ્રધાનની લોકકલ્યાણકારી નીતિઓને આપતા જણાવ્યું હતું કે આ પરિણામ પ્રદેશમાં પ્રસ્થાપિત સુશાસન પ્રત્યે પ્રજાનોવિશ્વાસ ધરાવે છે. તેની સાથે તેમણે ચૂંટાયેલા ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી અને જણાવ્યું હતું કે તમારા બધાનો વિજય પંચાયતી રાજ્યની વ્યવસ્થાને વધારે મજબૂત બનાવશે.
ઉત્તરપ્રદેશના મહત્ત્વના જિલ્લા તથા શહેર લખનઉમાં ભાજપની આરતી રાવતને ૧૪ વોટ મળ્યા અને તે વિજયી બની. જયારે સમાજવાદી પાર્ટી (સપા)ની નિશી યાદવ ૧૨ વોટ સાથે બીજા સ્થાને રહી. જૌનપુરમાં બાહુબલી ધનંજયસિંહની પત્ની શ્રીકલા રેડ્ડી જીતી. તેને ૪૩ મત મળ્યા. ભાજપમાં બળવો કરી મેદાનમાં ઉતરેલ ઉમેદવાર નીલમસિંહ ૨૮ મત સાથે બીજા સ્થાને રહ્યા.