નવી દિલ્હી : ભારતના કોવિડ વેક્સિનેશન-કોવિન માટેના ટેકનોલોજી પ્લેટફોર્મને ખુલ્લો સ્ત્રોત બનાવવામાં આવી રહ્યું છે. ટૂંકમાં જ એ બધા દેશોને પ્રાપ્ય થઇ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિન ગ્લોબલ કોન્કલેવને સંબોધતા આમ જણાવીને ઉમેર્યું કે કોરોનાને મ્હાત કરવા માટે પોતાની નિપુણતા અને સ્ત્રોતોનો વિશ્વ સમુદાયને લાભ આપવા ભારત પ્રતિબધ્ધ છે.
અનુભવ પરથી ખ્યાલ આવે છે કે ગમે એટલું શક્તિશાળી રાષ્ટ્ર પણ કોરોના જેવી મહામારીના પડકારને એકલા હાથે પહોંચી વળી શકે નહિ. ભારત આ જંગમાં રોગચાળાના પ્રારંભથી જ એના અનુભવ, આવડત અને સ્ત્રોતોને દુનિયાના જનસમુદાય સાથે વહેંચવા માટે પ્રતિબધ્ધ રહ્યું છે. અમારી અનેક મર્યાદાઓ છતાં અમે આમ કરવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાને કોરોના સામે લડવાની ભારતની કાર્યપધ્ધતિમાં ટેકનોલોજી સામેલ હોવાનું જણાવીને ઉમેર્યું કે સદ્નસીબે સોફટવેર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં સ્ત્રોતોની કોઇ અછત નથી. આથી અમે ટેકનિકલી શક્ય બન્યું ત્યારથી અમારી કોરોનાસંબંધી એપને ખુલ્લો સ્ત્રોત રાખ્યો છે.
કેનેડા, મેક્સિકો, નાઇજિરિયા, પનામા અને યુગાન્ડા સહિતના લગભગ 50 દેશોએ પોતાને ત્યાંની રસીકરણ ઝુંબેશના સંચાલન માટે કોવિડ વેક્સિનેશન માટેના ભારતના ટેકનોલોજી ફોરમ-કોવિનનો ઉપયોગ કરવા માટે રસ દાખવ્યો છે, એમ નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઇઓ ડો.આર.એસ. શર્માએ તાજેતરમાં જણાવ્યું હતું. ભારત એના આ ઓપન-સોર્સ પ્લેટફોર્મનો લાભ નિ:શુલ્કપણે આપશે, એમ એમણે ઉમેર્યું હતું.