મોદીએ કેબિનેટ વિસ્તરણ મુદ્દે અમિત શાહ સહિતના નેતાઓ સાથે બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના જનરલ સેક્રેટરી બી.એલ. સંતોષ સહિતના નેતાઓ સાથે લાંબી બેઠક કરી હતી. આ બેઠક મંત્રીમંડળના વિસ્તરણ બાબતે હોવાની પૂરી શક્યતા છે. મોદીના મંત્રાલયનું આ સપ્તાહમાં વિસ્તરણ થાય એવી અટકળો વધુ તેજ બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રાલયમાં વધુ ૨૦થી ૨૨ મંત્રીઓને સ્થાન મળશે. એમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલ, બિહારના ભાજપના નેતા સુશિલ મોદી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને વરૃણ ગાંધીના નામ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના રાકેશ સિંહને પણ મંત્રાલયમાં જગ્યા મળશે એવું કહેવાય છે. મહારાષ્ટ્રમાંથી બે નેતાઓને મંત્રીપદ મળશે. જમ્મુ-કાશ્મીર લદાખમાંથી પણ એક-એક નેતાને મંત્રાલયમાં તક અપાશે.
વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-૨૦૧૯માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત મંત્રાલયનું વિસ્તરણ થશે. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાંના નેતાઓને મંત્રાલયમાં સ્થાન અપાય તેવી શક્યતા નકારી શકાતી નથી. તે ઉપરાંત બંગાળના ભાજપના નેતાઓને પણ તક મળી શકે છે.
તે ઉપરાંત ભાજપના સાથી પક્ષો જેડીયુ અને અપના દલના નેતાઓનો પણ મંત્રાલયમાં સમાવેશ થશે. તે સિવાય એલજેડીને સ્થાન મળશે કે નહીં તેની અટકળો પણ થઈ રહી છે. અત્યારે મોદીના મંત્રાલયમાં ૫૩ મંત્રીઓ કાર્યરત છે. ૮૧ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે એ શક્યતા જોતાં લગભગ ૨૦થી ૨૨ નવા મંત્રીઓને જગ્યા મળશે. વળી, મંત્રાલયની ફેરબદલી થાય એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. તે પહેલાં મંત્રીઓના કામનો રિવ્યૂ કર્યો હતો. ભાજપના કેન્દ્રના યુનિટે રાજ્યો પાસેથી પણ વિવિધ નેતાઓના પ્રોફાઈલ તપાસ્યા હતા, ત્યારથી જ મોદીના મંત્રાલયના વિસ્તરણની અટકળો શરૂ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *