લંડન : દુનિયાના અસંખ્ય દેશોમાં સતત ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટસના કેસો વધી રહ્યા છે. આયરલેન્ડમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોમાં 70 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે. એક આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આયરલેન્ડમાં ડેલ્ટા વેરિઅન્ટના 365 કેસ નોંધાયા છે. જેના કારણે કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,74,306 થઇ છે.
આ જ રીતે ફિઝીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસો નોંધાયા છે. જેમાંથી છ જણાના મોત થયા હતા. તુર્કીમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે દેશના 30 પ્રાંતોમાં ડેલ્ટા વેરિઅન્ટના કુલ 284 કેસો નોંધાયા છે.
ઇન્ડોનેશિયામાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29,754 કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 23,13,829 થઇ છે. કોરોનાને કારણે 61,140 જણાના મોત નોંધાયા છે. ઇન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં પણ વધારો નોંધાયો છે.
લેબેનોનમાં પણ અડધાથી વધારે કેસો ડેલ્ટા વેરિઅન્ટના હોવાનું જણાયું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 101 કેસોમાંથી 46 કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે. કોરોનાને કારણે બે જણાના મોત થયા હતા. દરમ્યાન ઇઝરાયલે તેના ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીના એક્સપાયરીને આરે આવેલા સાત લાખ ડોઝનો દક્ષિણ કોરિયાને પહોંચાડવાનો સોદો કર્યો છે.
ઇઝરાયલના વડાપ્રધાન નફટાલી બેનેટે જણાવ્યું હતું કે આટલી જ સંખ્યામાં દક્ષિણ કોરિયા ભવિષ્યમાં તેના કોરોનાની રસીના ઓર્ડરમાંથી ડોઝ સપ્ટેમ્બર-ઓકટોબર 2021માં પરત કરશે. આ કરાર અનુસાર ઇઝરાયલ ફાઇઝરની કોરોનાની રસીના અંદાજે સાત લાખ ડોઝ જુલાઇના અંત સુધીમાં પહોંચતા કરી દેશે.
કોરોનાની રસીનો આ પ્રકારનો સાટાં સોદો દુનિયામાં પહેલીવાર થયો હોવાનું જણાવી ઇઝરાયલના વડાપ્રધાને તેને બંને દેશો માટે ફાયદાકારક ગણાવ્યો હતો. દક્ષિણ કોરિયામાં 20-50 વર્ષના વયજૂથના લોકો માટે રસીકરણ શરૂ થયું નથી.
52 મિલિયનની વસ્તીમાંથી 36 મિલિયન લોકોને નવેમ્બર સુધીમાં કોરોનાની રસી આપી હર્ડ ઇમ્યુનીટી વિકસાવવાનું દક્ષિણ કોરિયાનું ધ્યેય છે. દક્ષિણ કોરિયામાં 15.3 મિલિયન લોકોને કોરોનાની રસીનો એક ડોઝ અને પાંચ મિલિયન કરતા વધારે લોકોને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
દરમ્યાન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ફેસ માસ્ક પહેરવા સહિતના તમામ કોરોના નિયંત્રણો 19 જુલાઇએ ઉઠાવી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન મલેશિયામાં રબ્બરના હાથમોજાં બનાવતા ઉત્પાદકોએ સરકારને તેમની સેલાંગોર સ્ટેટમાં આવેલી ફેકટરીઓમાં ઉત્પાદન ચાલુ રાખવા દેવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે જો આમ કરવામાં નહીં આવે તો દુનિયામાં રોગો સામે રક્ષણ આપતી સામગ્રીનો પુરવઠો ખોરવાઇ જશે. સરકારે સૌથી વધારે ઔદ્યોગિક સ્ટેટ સેલોન્ગર અને રાજધાની કુઆલાલુમ્પુરમાં કડક નિયંત્રણો લાદ્યા છે. દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં એક રોકાણકારોના જૂથે સિડની એરપોર્ટને 17 બિલિયન ડોલરમાં હસ્તગત કરવાની તૈયારી બતાવી છે.
જો આ સોદો થશે તો ઓસ્ટ્રેલિયાનું આ સૌથી મોટું એક્વિઝિશન બની રહેશે. દુનિયામાં સરકારોએ કોરોના મહામારીની કટોકટીમાં સપડાયેલી એરલાઇન્સને અબજો ડોલરની નાણાંકીય સહાય કરી છે પણ એરપોર્ટસને એ સ્તરની સહાય કરવામાં આવી નથી. સિડની એરપોર્ટ આકરાં સરહદી નિયંત્રણો લદાવાને કારણે ખુવાર થવાને આરે છે.