હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું છે. લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ ગુરૂવારે સવારે 03:40 કલાકે તેમણે શિમલા ખાતેની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી)માં અંતિમ શ્વાસ લીધા હતા.
વીરભદ્ર સિંહ છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે કોરોનાને 2 વખત માત આપી હતી. છેલ્લા 2 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેઓ 6 વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા જેના પરથી હિમાચલના રાજકારણમાં તેમનું કદ કેટલું મોટું હતું તેનો અંદાજો લગાવી શકાય તેમ છે.
વીરભદ્ર સિંહ 9 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ 5 વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા. તેમણે 6 વખત મુખ્યમંત્રી તરીકે હિમાચલ પ્રદેશની કમાન સંભાળી હતી. હાલ તેઓ સોલન જિલ્લાના અરકી ખાતેથી ધારાસભ્ય હતા.
તેમને બુધવારે બપોરે આઈજીએમસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છેલ્લા થોડા સમયથી તેઓ શરદી-ખાંસીથી પીડાઈ રહ્યા હતા જેથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી.
તેમની રાજકીય કારકિર્દી અનેક ઉપલબ્ધિોથી ભરેલી છે અને અનેક રાજકીય રેકોર્ડ તેમના નામે નોંધાયેલા છે. તેઓ સાંસદ, કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી સહિતના અનેક મહત્વના પદ પર રહી ચુક્યા છે.