અમદાવાદ : સૈજપુર બોઘામાં રહેતો પતિ જીવતો હોવાછતા તેનુ મરણ સર્ટિફિકેટ બનાવીને વીમા કંપનીમાં રજુ કરીને ૧૮ .૫૦ લાખ જેટલી માતબાર રકમ મેળવી લીધી હતી. ક્રાઈમ બ્રાંચે ેમહિલાને બનાવટી દાખલો આપનારા સેટેલાઈટના ડો. હરીકૃષ્ણ સોનીની અટક કરીને મહિલા તથા અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.
મુળ મધ્યપ્રદેશના રહેવાસી નિમેષભાઈ એચ.મરાઠી(૪૮) સૈજપુરબોઘામાં ચેહરનગરમાં તેમની પત્નીનંદાબહેન અને નાના ભાઈ કનૈયા સાથે રહે છે. પંદરેક વર્ષ પહેલા તેમણે રિલાયન્સ કંપનીમાં જીવન વીમો ઉતરાવ્યો હતો. તેમની બે દિકરીના લગ્ન થઈ ગયા બાદ પતિ પત્ની ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. દરમિયાન પત્નીએ ભાડાનું મકાન પોસાતું ન હોવાનું કહીને નિમેષભાઈને તેમના વતન મધ્યપ્રદેશ જવાનું કહેતા તે ત્રણેક મહિના વતનમાં ગયા હતા. જ્યારે પત્ની તેમની કઠવાડામાં રહેતી દિકરીને ત્યાં રહેતી હતી.
નિમેષભાઈ મધ્યપ્રદેશથી પરત આવતા પત્નીએ ઘરમાં રાખવાની ના કહી ઝઘડો કરી કાઢી મુક્યા હતા. આથી તે છુટક મજુરી કરીને ફુટપાથ પર સુઈ રહેતા હતા.દરમિયાન નિમેષભાઈને જાણવા મળ્યું હતું કે તેમની પત્નીએ તેમનું મરણ સર્ટિફિકેટ બનાવીને બીરલા સન લાઈફ તથા ફ્યુચર ઈન્ડીયા નામની કંપનીમાં વીમાની પોલીસી મંજુર કરાવીને ૧૮.૫૦ લાખ રૃપિયા મેળવી લીધા છે. તેમણે જન્મ મરણ વિભાગમાં તપાસ કરતા ૬ માર્ચ ૨૦૧૯ના રોજ તેમનું મરણ સર્ટિફિકેટ બન્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી તેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે પોલીસે નંદાબહેનને બનાવટી દાખલો આપનારા અને સેટેલાઈટમાં સુસ્મીતા એપાર્ટમેન્ટમાં રહેતા ડો.હરીકૃષ્ણ આર.સોનીની અટક કરી હતી. જ્યારે નંદાબહેન અને સરદારનગરમાં રહેતા રવીન્દ્ર કાડેકરની શોધખાળ હાથ ધરી છે.