રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં હિન્દુઓ અને મુસ્લિમોનું ડીએનએ એક જ હોવાનું નિવેદન આપ્યા પછી હવે સંઘ મુસ્લિમોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા પહેલ કરશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની મુખ્ય બેઠક પહેલાં કોર ગ્રૂપ સભ્યોની સંક્ષિપ્ત બેઠકોમાં મુસ્લિમોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા મુદ્દે ચર્ચા થઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું કહેવું છે કે પ્રચારકોની બેઠકમાં હિન્દુત્વની સાથે રાષ્ટ્રવાદી મુસ્લિમોને પોતાની વિચારધારા સાથે જોડવાની દિશા પણ નિશ્ચિત થઈ શકે છે. સંઘની વિચારસરણીમાં આવેલા પરિવર્તનને બંગાળની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. સંઘના ટોચના નેતૃત્વે બંગાળમાં ભાજપના વધેલા પ્રભાવ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ મુસ્લિમોએ રાષ્ટ્રવાદી વિચારસરણીવાળા પક્ષથી દૂર રહેવા બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે.
રાષ્ટ્રીય કાર્યકારિણી પદાધિકારીઓ અને સભ્યોવાળા કોર ગ્રૂપની બેઠકમાં શુક્રવારે નિશ્ચિત એજન્ડા પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. જોકે, આ બેઠકમાં ચર્ચા અંગે ગુપ્તતા એટલી સજ્જડ રાખવામાં આવી છે કે દિનદયાળ શોધ સંસ્થાનમાં પ્રાંત પ્રચારકોની બેઠકની વ્યવસ્થા સંભાળી રહેલા પદાધિકારીઓ અને સ્વયંસેવકોને પણ બેઠકના સ્થળથી દૂર રહેવા જણાવાયું હતું.
પ્રાંત પ્રચારકોની બેઠક પહેલાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગાઝિયાબાદમાં જણાવ્યું હતું કે પ્રાર્થનાની પદ્ધતિના આધારે હિન્દુ અને મુસલમાનોને અલગ કરી શકાય નહીં. બધા જ ભારતીયોના ડીએનએ એક જ છે. તેમણે ભાષા, પ્રાંત અને અન્ય વિષમતાઓને છોડીને એક થઈ ભારતને વિશ્વગુરુ બનાવવાની ભલામણ પણ કરી હતી.