કોચિંગ-ટયુશન ક્લાસીસો શરૃ કરવાની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ સરકારને સ્કૂલો-કોલેજો શરૃ કરવાનું પણ ધ્યાને આવતા સરકારે આજે ધો.૧૨ની સ્કૂલો અને કોલેજો તેમજ પોલિટેકનિકો ૧૫ જુલાઈથી શરૃ કરવા મંજૂરી આપી છે.૧૫મી જુલાઈથી રાજયમાં ધો.૧૨ની સ્કૂલો ,યુજી-પીજી કોલેજો અને ડિપ્લોમા કોલેજો (પોલિટેકનિકો)માં ઓફલાઈન શિક્ષણ ૫૦ ટકા ક્ષમતા સાથે શરૃ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫મી જુલાઈથી ધો.૧૦-૧૨ની રીપિટર પરીક્ષાઓ શરૃ થઈ રહી છે અને ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્રણ કલાકની પરીક્ષા આપવા સ્કૂલમા આવશે અનેકલાસરૃમમાં બેસશે જેથી સરકારે ૧૫મી જુલાઈથી ધો.૧૨ની સ્કૂલોને ઓફલાઈન શિક્ષણ સાથે શરૃ કરવાની મંજૂરી પણ આપી દીધી છે.સ્કૂલો ઉપરાંત યુજી-પીજીની તમામ કોલેજો અને ધો.૧૦ પછીના ડિપ્લોમા માટેની કોલેજો(પોલિટેકનિકો) પણ ૧૫મી જુલાઈથી ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરવા આજે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ હવે તબક્કાવાર અનલોક કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ૧૫મી જુલાઈથી ૫૦ ટકા ક્ષમતા સાથે ધો.૧૨ની સ્કૂલો અને કોલેજો શરૃ કરવાની મંજૂરી આપવામા આવી છે.જો કે વાલીની લેખિત સંમતિ હોવી ફરજીયાત છે. વાલીની મંજૂરી હશે તો જ વિદ્યાર્થી જઈ શકશે. વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામા આવી છે.જેથી ૧૨ની સ્કૂલો અને કોલેજો શરૃ થયા બાદ પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.કોરોનાની બીજી લહેર શરૃ થતા ગુજરાતમાં પણ કેસો વધતા અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં ૧૮મી માર્ચથી સ્કૂલો-કોલેજો બંધ કરી દેવાઈ હતી અને ત્યારબાદ ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં સ્કૂલો-કોલેજો બંધ કરી દેવાઈ હતી.રાજ્યમાં કોરોનાના કેસ હવે નહિવત નોંધાઈ રહ્યા છે ત્યારે તમામ પ્રવૃત્તિઓ અનલોક થતા સ્કૂલો-કોલેજો પણ ઘણા મહિનાઓ બાદ ખુલશે. આગળના તબક્કામાં ઓગસ્ટમાં ધો.૯થી૧૧ની અથવા ધો.૧૦ની સ્કૂલો પણ શરૃ થાય તેવી શક્યતા છે.