ઉત્તરપ્રદેશમાં વસ્તી અંકુશનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવાયો છે. રાજ્યનું કાયદા પંચ તેને અંતિમ સ્વરુપ આપ્યા પછી તે રાજ્ય સરકારને સોંપશે.આ ડ્રાફ્ટ હેઠળ જેને બેથી વધારે બાળકો હશે તે ન તો સરકારી નોકરી કરી શકશે કે ચૂંટણી લડી શકશે. આ ડ્રાફ્ટને સરકારી વેબસાઇટ પર અપલોડ કરી દેવાયો છે. તેની સાથે ૧૯ જુલાઈ સુધી પ્રજાનો અભિપ્રાય માંગવામાંઆવ્યો છે.
વાસ્તવમાં આ ડ્રાફ્ટને તેવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે ઉત્તરપ્રદેશમાં ૧૧ જુલાઈના રોજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ નવી વસ્તી વિષયક નીતિ ૨૦૨૧-૩૦ જારી કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કાયદા પંચે પોતે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
ઉત્તરપ્રદેશ રાજ્યના કાયદાકીય પંચના પ્રસ્તાવ મુજબ બેથી વધારે બાળકો ધરાવતા માબાપ સરકારી નોકરી માટે અરજી નહી કરી શકે. તેમને પ્રમોશનની તક પણ નહી મળે. ૭૭ જેટલી સરકારી યોજનાઓ અને ગ્રાન્ટનો લાભ પણ નહી મળે. તેની સાથે સ્થાનિક ચૂંટણી લડવા સહિત કેટલાય પ્રકારના પ્રતિબંધો મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
આ કાયદો અમલી બન્યાના એક વર્ષની અંદર બધા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ શપથપત્ર લેવું પડશે. આ ઉપરાંત સ્થાનિક એકમની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ શપથપત્ર આપવું પડશે કે તે આનો ભંગ નહી કરે. આ કાયદો લાગુ થયા ત્યારના તેમના બે જ બાળક છે. શપથપત્ર આપ્યા પછી જો તે ત્રીજા સંતાનને જન્મ આપે છે તો પ્રતિનિધિની ચૂંટણી રદ કરવાનો પ્રસ્તાવ છે. તેની સાથે તે ચૂંટણી પણ નહીં લડી શકે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન અને તેમને બરખાસ્ત કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.
એક બાળકની નીતિવાળા માબાપને મળશે ઘણા ફાયદા
રાજ્ય કાયદા પંચના પ્રસ્તાવ મુજબ એક બાળકની નીતિ અપનાવનારા માબાપને કેટલીય સગવડો મળશે. જો તેઓ સરકારી નોકરી કરતા હોય અને એક બાળક પછી નસબંધી કરાવે તો પ્રમોશન, સરકારી આવાસ યોજનાઓમાં રાહત જેવી ઘણી સગવડોનો ફાયદો મળશે.
બે બાળકોવાળા માબાપ જો નોકરી ન કરતાં હોય તો તેમને વીજળી, પાણી, હાઉસ ટેક્સ, હોમ-લોનમાં રાહત સહિત ઘણી સગવડો આપવાનો પ્રસ્તાવ છે. એક બાળક ધરાવનાર નસબંધી કરાવે તો તે બાળકને ૨૦ વર્ષનો થાય ત્યાં સુધી મફત સારવાર, શિક્ષા, વીમા, શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અગ્રતા આપવાનો પ્રસ્તાવ છે. કાયદા પંચે આ અંગે લોકોના પ્રસ્તાવ અને ટિપ્પણીઓ માંગી છે.
ઉત્તરપ્રદેશના કાયદા પંચના વડા આદિત્યનાથ મિત્તલે જણાવ્યું હતું કે કોઈપણ દંપતી બે બાળકની સરકારી નીતિનું પાલન કરે છે તો તેને બધા સરકારી લાભ મળશે. તે બધી સરકારી કલ્યાણકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી શકશે. જો કોઈ આ નીતિનું પાલન કરતું નથી તો તે સરકારી યોજનાઓ માટે પાત્ર નહીં હોય. તેણે રેશનિંગ કાર્ડ ચાર જણ સુધી જ સીમિત રાખવું પડશે, તે સરકારી નોકરીઓ માટે અરજી નહી કરી શકે અને પહેલેથી જ સરકારી કર્મચારી છે તો પ્રમોશન નહી મળે. આ પ્રણાલિ સ્વૈચ્છિક હશે.