જામનગર નજીક દરેડ વિસ્તાર એક સગર્ભા નેપાલી મહિલાની રવિવારે સમી સાંજે હત્યા નીપજાવતા ભારે ચકચાર જાગી છે. કોઈ અજ્ઞાત શખ્સો ચોરીના ઈરાદે આવ્યા હોવાનું, અને ઘારદાર અથવા બોથડ પદાર્થ ના ઘા મારી હત્યા નિપજાવી ભાગી છૂટયાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને ગુનાશોધક શ્વાનની પણ મદદ લેવાઈ રહી છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં દરેડ વિસ્તારમાં નવા બની રહેલા એક ગોદામના સ્થળે રહીને ચોકીદારી કરતા ઇન્દ્રબહાદુર નેપાળી ની પત્ની ભૂમિસાઈ ઇન્દ્રબહાદુર નેપાળી (ઉ.વ.૩૯) કે જે આજે બપોર પછી પોતાના ઘરે એકલી હતી, જે દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને કોઈ ધારદાર હથિયાર તેમજ બોથડ પદાર્થના ઘા ઝીંકી દઇ નિર્મમ હત્યા નિપજાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર જાગી છે.
મૃતક નેપાળી મહિલા ગર્ભવતી હતી અને તેણીને સાત માસનો ગર્ભ હતો. જેનો પતિ ઇન્દ્રબહાદુર દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક કારખાનામાં મજૂરી કામે જાય છે જે સાંજે છૂટીને ઘેર પરત ફરતાં પોતાની પત્નીનો મૃતદેહ જોઈને ડઘાઈ ગયો હતો, અને હૈયાફાટ રુદન કર્યું હતું.
આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી, અને હત્યારાઓનું પગેરુ મેળવવા માટે ગુન્હા શોધક શ્વાનની પણ મદદ લેવામાં આવી રહી છે.
જે ઘરમાં હત્યા નીપજાવાઈ હતી, તે નવા બંધાઈ રહેલા ગોદામ ની અંદર બનાવેલા નેપાળી પરિવારના મકાનમાં કબાટ અને તેનો માલ સામાન પણ વેરવિખેર થઈ ગયેલો જોવા મળ્યો હતો. જેથી કોઇ તસ્કરો ચોરીના ઈરાદે આવ્યા હોય અને નેપાળી મહિલાની છરી જેવા ધારદાર તેમજ બોથડ પદાર્થના હાથમાં અને માથામાં ઘા મારી દઇ નિર્મમ હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
નેપાળી યુવાન ઇન્દ્રબહાદુરે બપોરે દોઢ વાગ્યે પોતાના પત્ની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત પણ કરી હતી. અને ત્યાર પછી બપોરથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજ્ઞાત શખ્સોએ આવીને આ હત્યા નિપજાવી હોવાનું જણાવાયું હતું.જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ છે. પોલીસે ઈન્દ્રકુમાર નેપાળી ની ફરિયાદના આધારે તેની પત્ની ભૂમિસાઈની હત્યા નિપજાવવા અંગે અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધવા પણ કાર્યવાહી આરંભી છે.