૨૮ જુન બાદ તેર દિવસ બાદ અમદાવાદ શહેરમાં રવિવારે અસહ્ય ઉકળાટ બાદ સાંજના સુમારે વાતાવરણમાં આવેલા પલ્ટાને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાની રી-એન્ટ્રી કરીને બે કલાકમાં શહેરને ઘમરોળતા ઠકકરનગર,બાપુનગર,ઓઢવ,કુબેરનગર સહીતના અનેક વિસ્તારો વરસાદમાં જળબંબાકાર બની ગયા હતા.ખારીકટ કેનાલ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના પંપો કામ કરતા ન હોવાથી અનેક સોસાયટીઓમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા.શહેરમાં બે કલાકમાં વરસાદને પગલે મીઠાખળી તેમજ અખબારનગર અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.મણિનગર વિસ્તારમાં સાંજે છથી નવના ત્રણ કલાકના સમયમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.ભારે વરસાદની વચ્ચે અમદાવાદ ફાયર વિભાગની ૧૦૧ અને ૧૦૨ નંબરની સેવા ખોટકાઈ જતા શહેરીજનો ત્રસ્ત બની ગયા હતા.શહેરમાં સાંજે છથી ૯ સુધીના ત્રણ કલાકમાં સરેરાશ ૭૯.૯૯ મિલીમીટર વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રની પ્રિ-મોનસુન પ્લાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી ગઈ હતી.શહેરનો મોસમનો વરસાદ ૩૪૬.૬૫ મિલીમીટર થવા પામ્યો છે.
રવિવારે સાંજે છના સુમારે શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવવાની સાથે ભારે વીજ કડાકા અને વાદળોની ગર્જના સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૃઆત થઈ હતી.જોતજોતામાં વરસાદે તેનુ રોદ્ર સ્વરૃપ બતાવવાનું શરૃ કરતા સૈજપુર, કુબેરનગર,નરોડા, બાપુનગર, ઓઢવ,મણિનગર, ઈસનપુર સહીતના અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના પંપો કામ કરતા ન હોવાથી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.દક્ષિણ ઝોનમાં દાણી લીમડા,બહેરામપુરા સહીતના વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતા અને બેદરકારી ઉપર આક્રોશ વ્યકત કર્યો હતો.
શહેરના પશ્ચિમમાં આવેલા પાલડી ઉપરાંત ઉસ્માનપુરા,ચાંદખેડા ઉપરાંત બોડકદેવ, ગોતા,સાયન્સ સિટી, એસ.જી.હાઈવે, જગતપુર, ચાંદલોડીયામાં વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરખેજ.મકરબા ઉપરાંત બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદને પગલે ચોતરફ પાણી-પાણી જોવા મળ્યા હતા.સૌથી વધુ કફોડી પરિસ્થિતિ શહેરના ઉત્તર ઝોનમાં આવેલા સરસપુર ઉપરાંત રખિયાલ સહીતના વિસ્તારોમાં જોવા મળી હતી.દરમ્યાન ફાયર વિભાગના ૧૦૧ અને ૧૦૨ નંબરની સેવા ખોટકાઈ જતા ફાયરના ૨૨૧૪૮૪૬૫થી ૬૮ ઉપરાંત પોલીસ કંટ્રોલ નંબર ઉપર લોકોને સંપર્ક કરવા અપીલ કરવી પડી હતી.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૨.૭૫ ફૂટ નોંધાઈ હતી.બેરેજના તમામ દરવાજા બંધ રખાયા હતા.