પંજાબના અમૃતસરના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઈ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાળા ફરવા આવ્યા હતા.
પહાડી વિસ્તારોમાં વધતો વરસાદ અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે, ત્યારે હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાના કારણે ભારે તબાહી થઈ છે. ગત રોજ ત્યાંના કારેરી લેક વિસ્તારમાંથી અનેક મૃતદેહ મળી આવ્યા હતા. તેમાં પંજાબના સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ પણ સામેલ છે.
જાણ મુજબ રેસ્ક્યુ ટીમને મંગળવારે ત્યાંથી કુલ 6 મૃતદેહ મળી આવ્યા હતા જેમાં એક મહિલા અને એક બાળકના મૃતદેહનો પણ સમાવેશ થાય છે. રેસ્ક્યુ ટીમને કારેરી ગામ પાસેથી પંજાબી સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તે સિવાય જે અન્ય લોકો આ સમયમાં ગાયબ થયા હતા તેમને મૃત માનવામાં આવી રહ્યાં છે.
ધર્મશાળા ફરવા આવ્યા હતા મનમીત :
અમૃતસર જિલ્લાના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઈ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાળા ફરવા આવ્યા હતા. રવિવારે તેઓ કારેરી સરોવર વિસ્તારમાં ફરવા ગયા હતા પરંતુ તે સમયે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો જેથી તેમણે ત્યાં રોકાઈ જવું પડ્યું હતું.
એવું માનવામાં આવે છે કે, સોમવારે ભારે વરસાદમાં મનમીત સિંહ અને તેમના સાથીદારો તણાઈ ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે મનમીત સિંહ અને તેમના સાથીદારો સોમવારે ગાયબ થયા હતા અને મંગળવારે તેમના મૃતદેહ મળ્યા હતા. તે સિવાય 19 વર્ષીય એક યુવતી જે નજીકના વિસ્તારમાંથી ગાયબ હતી તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે.