નવું શૈક્ષણિક વર્ષ 2021-22 જયારે શરૂ થાય ગયું છે, પરંતુ હજુ સુધી શિક્ષણ ઓનલાઇન જ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાના કેસ ઘટતાં શિક્ષણમંત્રી દ્વારા 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી દ્વારા મૌખિક જાહેરાત જ કરવામાં આવી હતી, પણ કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આવતીકાલથી સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સતાવાર કોઈ સુચના ન મળતાં સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
ધો.12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા શિક્ષણમંત્રાલય એ જાહેરાત કરી હતી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી હતી. કેટલાય સમયથી ઓનલાઇન ચાલી રહેલા શિક્ષણ હવે ધીરે ધીરે ઓફલાઈન કરવા સરકાર વિચારણા કરી રહી છે, જેથી ધોરણ 12ના વર્ગ ઓફલાઈન શરૂ કર્યા બાદ તબક્કાવાર 9થી 11ના વર્ગ શરૂ કરવા આયોજન છે, પરંતુ હજુ સુધી ધોરણ 12ના વર્ગ શરૂ કરવા શિક્ષણમંત્રીએ માત્ર જાહેરત કરી છે. મોટા ઉપાડે જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. એને કારણે સ્કૂલ-સંચાલકો સ્કૂલ શરૂ કરવા તૈયારી કરવી કે નહીં એ અંગે ગુંચવણમાં છે.
સ્કૂલોને હજુ સુધી પરિપત્ર ન મળતાં મૂંઝવણ
જાણવા મળ્યા મુજબ સરકાર દ્વારા 15મી જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આવતીકાલથી જ સ્કૂલ શરૂ થવાની છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા આપવામાં આવી નથી, જેથી કાલથી સ્કૂલ શરૂ કરવી કે નહીં એ અંગે પ્રશ્ન છે. સ્કૂલ શરૂ કરવાનો પરિપત્ર આવે કે ના આવે, પરંતુ અમે અમારી રીતે તૈયારી કરી છે. સરકાર તરફથી સૂચના મળે એ બાદ જ અમે સ્કૂલ શરૂ કરીશું.