ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી હવે માત્ર એક ક્લીક પર અને મુલાકાતનું ઓનલાઇન બુકીંગ હવે ઘરે બેઠા થઇ શકાશે.
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચ કરી છે.
સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ https://sciencecity.gujarat.gov.in અને મોબાઇલ એપ, યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે. મોબાઇલ એપ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
આ બે ડિજિટલ સુવિધાઓ સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો માટે ઘરે બેઠા ઓનલાઇન બુકિંગ, પેપરલેસ ટિકીટ પ્રક્રિયા, તમામ ડિજિટલ મોડથી પેમેન્ટ સુવિધાની સગવડતા પૂરી પાડશે જેથી કેશલેસ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે. એટલું જ નહિ, સાયન્સ સિટીમાં પ્રવેશ બાદ મુલાકાતીઓને એક ગેલેરીથી બીજી ગેલેરી કે એક સ્થળેથી અન્ય સ્થળે સમગ્ર પરિસરમાં જવા માટે મોબાઇલ એપ પર નકશા અને સ્થળની સ્થિતિની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થશે!
સાયન્સ સિટીમાં નવી તૈયાર થયેલી એકવેટિક ગેલેરીમાં એકવેરિયમમાં જે માછલીઓ-ફિશ રાખવામાં આવી છે તે QR કોડ સાથેની છે. આવી માછલીના QR કોડ પોતાના મોબાઇલમાં એન્ટર કરીને મુલાકાતીઓ આ માછલીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે. આમ, આ નવિન મોબાઇલ એપ સાયન્સ સિટીના મૂલાકાતીઓ માટે ડિઝીટલ ગાઇડની ભૂમિકા પણ ભજવશે અને રપ૦ એકરથી વધુ વિસ્તારના સમગ્ર સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તેમજ આકર્ષણો વિશે મોબાઇલ ફોન પર માહિતી ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ https://sciencecity.gujarat.gov.in વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચિંગ અવસરે સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટીના સુરમ્ય વોરા તેમજ સાયન્સ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.