કાવડ યાત્રા યોજાવા પર સુપ્રીમ નારાજ
પીએમ મોદી જ કહે છે કે કોરોના સામેની લડાઇમાં જરા પણ બાંધછોડ ન ચાલે : સુપ્રીમ
નવી દિલ્હી : UP સરકારે કોરોના મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને છૂટ આપી દીધી હતી, જેની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે અને સમગ્ર મામલે નોટીસ પાઠવીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે ખુદ વડાપ્રધાન ના જ નિવેદનને સીધે સીધું ટાંક્યું હતું જેમાં મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારી સામે પહોંચી વળવા થોડી પણ બાંધછોડ નહીં કરવામાં આવે.
આવી વૈશ્વક મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને અનુમતી કેમ આપવામાં આવી તેને લઇને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. ન્યાયાધીશ આર. એફ. નરીમનની બેંચે આ મામલાની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને કેન્દ્ર તેમજ યુપી સરકારને નોટિસ પાઠવી હતી. હવે આ મામલે આગામી ૧૬મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે જે સમયે રાજ્ય અને કેન્દ્રએ જવાબ આપવાનો રહેશે.
નોંધનીય છે કે ૨૫મી જુલાઇ, ૨૦૨૧ ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા યોજાવા જઇ રહી છે. જ્યારે ઉત્તરાખંડમાં તેને રદ કરવામાં આવી છે. એવામાં ન્યાયાધીશ આર. એફ. નરીમને મામલાની સુનાવણી કરતી વેળાએ કહ્યું હતું કે અમે પરેશાન કરનારા સમાચાર વાચ્યા છે કે યુપી સરકારે કોરોના મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને અનુમતી આપી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે આપણે વધુ સતર્ક રહેવાની જરુર છે. જ્યારે બીજી તરફ યુપી સરકાર કાવડ યાત્રાને અનુમતી આપી રહી છે. શુક્રવારે સવાર સુધીમાં સમગ્ર મામલે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.