Mumbai Rain: પાણી ભરાવાના કારણે બસોના રૂટ બદલવામાં આવ્યા છે અને લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે.
મુંબઈ: ગુરૂવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ (Mumbai Heavy Rainfall) ના વડાલા, સાયન અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળબંબાકાર (Waterlogging)ની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ (Meteorological Department) મુજબ, મુંબઈ (Mumbai) અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળો પર મૂશળધાર વરસાદ પડવાની શક્યતા છે. એવામાં મુંબઈમાં સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે.
મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે બસોના રૂટ બદલવામાં આવ્યા છે અને લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની સાથોસાથ હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે દહીસર ચેક પોસ્ટ ખાતે પણ લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ મુજબ, આજે દિવસભર પડનારા વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નોંધનીય છે કે, ભારત હવામાન વિભાગે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ અલર્ટને બદલે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર.કે. જેનમાનીએ કહ્યું કે, મુંબઈમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને આગાહીને જોતાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારથી મુંબઈમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
મધ્ય રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે, કુર્લા-વિદ્યાવિહારની પાસે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનો 20-25 મિનિટ મોડી ચાલી રહી છે. સ્લો લાઇન ટ્રાફિક b/w કુર્લા-વિદ્યાવિહારને ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી છે. હાર્બર લાઇન પણ 20-25 મિનિટ મોડી ચાલી રહી છે. ટ્રાન્સ-હાર્બર લાઇન ટ્રાફિક યોગ્ય રીતે ચાલી રહ્યો છે. ગત એક સપ્તાહમાં જ મુંબઈમાં લગભગ 302 મિમી વરસાદ પડ્યો છે જે સામાન્યથી 77 ટકા વધુ છે