પીએમ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે આજે એક કલાક સુધી દિલ્હીમાં બેઠક ચાલ્યા બાદ રાજકીય માહોલમાં હલચલ જોવા મળી રહી છે.
ચોમાસુ સત્ર શરુ થતા પહેલા આ મુલાકાતના પગલે જાત જાતની અટકળો શરુ થઈ છે.સોમવારથી સંસદનુ ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યુ છે.તે પહેલા કાલે મોદી સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.જેમાં પીએમ મોદી પોતે પણ સામેલ થવાના છે.બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંસદમાં સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે.
કોંગ્રેસે તેમના લોકસભા સાંસદોની આવતીકાલે બેઠક બોલાવી છે. જેને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે. સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ બીજી પાર્ટીઓ સાથે પણ સંપર્કમાં છે.
મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં છાશવારે જોવા મળતા બદલાવ વચ્ચે શરદ પવારે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ આ તરફ બધાનુ ધ્યાન ખેંચાયુ છે.
તાજેતરમાં શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના અહેવાલો વહેતા થયા હતા.જેને લઈને પવારે પોતે કહ્યુ હતુ કે, હું રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર બનવાનો નથી. મને ખબર છે કે, જે પાર્ટી પાસે 300 કરતા વધારે સાંસદ હોય ત્યારે આ ચૂંટણીનુ પરિણામ શું આવે.