કોરોના ની પહેલી અને બીજી લહેરમાં જે કમી ઓ રહી હતી, તે ફરી રિપીટ ન થાય તે માટે તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) બીજી લહેર (Third wave of Coronavirus) બાદ અત્યારે કોરોના કેસ કંટ્રોલમાં છે. કોરોનાના કેસ ઘટતાની સાથે જનજીવન સામાન્ય બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી છૂટછાટ આપી દેવામાં આવી છે. જેના કારણે લોકો પ્રવાસન સ્થળ, માર્કેટમાં શાંતિથી ફરી રહ્યાં છે. ત્યારે અનેક જગ્યાઓ પર લોકોની ભીડનાં દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. લોકોની ભીડ જોઇને ત્રીજી લહેરની આશંકાની ભીતિ વધી રહી છે. તો બીજી બાજુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, દવા ઇન્જેક્શનો માટે પૂરતા પ્રમાણમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmeedabad Civil Hospital) દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે સાથે જ કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ. ઓ. ડોકટર સંજય કાપડિયાએ જણાવ્યું છે કે, કોવિડની ત્રીજી લહેરની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને વર્ગ ચારના કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. વર્ગ ચારના એક હજાર કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. 15 દિવસ સુધી વર્ગ 4ના કર્મચારીઓની ટ્રેનીંગ ચાલશે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ખસેડવા, દર્દીઓનુ ધ્યાન કેવી રીતે રાખવું, કોરોના દર્દીઓની આસપાસ સાફ સફાઈ, બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરવો તેને લઈ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.
પહેલી અને બીજી લહેરમાં જે ક્ષતિઓ રહી હતી. તે ફરી ન થાય તે માટે તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તે પહેલાં સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે પરંતુ તકેદારી રાખશે તો ત્રીજી લહેરને કાપી શકાશે અને સંક્રમણ ઓછું ફેલાશે .