નાગરિકતા સંશોધન કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથીઃ ભાગવત
છેલ્લા થોડા સમયથી જનસંખ્યા નિયંત્રણને લઈ ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. આસામના ગુવાહાટી ખાતે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું કે, 1930ના વર્ષથી જ દેશમાં મુસ્લિમ વસ્તી વધારવા પ્રયત્ન થઈ રહ્યો છે. વધુમાં કારણ આપતા તેમણે કહ્યું કે, ભારતને પાકિસ્તાન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
RSS પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે, ‘1930થી જ સંગઠિત રીતે મુસ્લિમ વસ્તી વધારવા પ્રયત્નો થયા છે જેથી તેમની તાકાતને વધારી શકાય. દેશને પાકિસ્તાન બનાવી શકાય તેના માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધું પંજાબ, સિંધ, આસામ, બંગાળ અને આસપાસના ક્ષેત્રો માટે પ્લાન કરવામાં આવ્યું હતું, જેમાં અમુક હદે સફળતા પણ મળી.’
મોહન ભાગવતે જણાવ્યું કે, પંજાબ, બંગાળ અડધું જ મળી શક્યું, આસામ તેમને ન મળી શક્યું. પરંતુ હાલ પણ અનેક રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
CAAથી ભારતીય મુસ્લિમોને કોઈ નુકસાન નહીંઃ ભાગવત
મોહન ભાગવતે કાર્યક્રમ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદા અંગે પણ વાત કરી હતી. મોહન ભાગવતે જણાવ્યું કે, આ કાયદાને કોઈ ભારતીય મુસ્લિમની નાગરિકતા સાથે કશું લાગતું-વળગતું નથી. તેનાથી કોઈ ભારતીય મુસલમાનને નુકસાન નહીં થાય.
સંઘ પ્રમુખે જણાવ્યું કે, પાકિસ્તાન જેવા દેશ જે ભારતથી અલગ થઈ ગયા હતા, હવે સંકટમાં છે. અખંડ ભારત બ્રહ્માંડના કલ્યાણ માટે આવશ્યક છે. ભારતમાં અનેક પડકારોને દૂર કરવાની ક્ષમતા છે અને દુનિયા તે પડકારો અને કઠણાઈઓ દૂર કરવા તરફ જુએ છે. વસુધૈવ કુટુમ્બકમ વિશ્વાસ સાથે ભારત દુનિયામાં સુખ અને શાંતિને આગળ વધારે.
તેમના કહેવા પ્રમાણે જ્યારે તેઓ અખંડ ભારત અંગે વાત કરે છે ત્યારે તેમનો ઉદ્દેશ્ય તેને શક્તિ સાથે પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ ધર્મના માધ્યમથી એકજૂથ થવાનો છે જે સનાતન (શાશ્વત) છે, આ જ માનવતા છે અને તેને હિંદુ ધર્મ કહેવામાં આવે છે.