મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. આ ઉપરાંત ઘણી હોટલો બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. આવી હોટલો સામે આપણા અમદાવાદના એક સામાજિક કાર્યકર એવા રોહિત પટેલ એ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કાર્યવાહી હજી પણ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર, સાયન્સસિટી એરિયામાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે તોલમાપ વિભાગમાં ફોર અને ફાઇવ સ્ટાર હોટલો સામે ફરિયાદ કરી હતી કે હોટલમાં મિનરલ પાણીની બોટલ પર લખેલી MRP કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. એ બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે. આમ છતાં ગ્રાહક પાસેથી વધુ રૂપિયા લેવામાં આવ્યા હતા. રોહિત પટેલ દ્વારા શહેરની 11 હોટલો સામે વર્ષ 2015માં તોલમાપ વિભાગમાં ફરિયાદ લખાવામાં આવી હતી. એ બાદ વારંવાર ફરિયાદ કર્યા પછી કેટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં પણ ઘણી હોટલની સામે ફરિયાદ કર્યા ને છ વર્ષ થયાં છતાં હજુ કોર્ટ મેટર ચાલતી હોવાનું તોલમાપ વિભાગ દ્વારા રોહિત પટેલને કહેવામાં આવ્યું હતું.
રોહિત પટેલના જણાવ્યા અનુસાર, દરેક હોટલને કેટલો દંડ કર્યો એની મેં RTI કરી હતી, એનો જવાબ મને મળ્યો છે. આ 11 હોટલ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ મેં ફરિયાદ કરી હતી. કોર્ટે ઘણી હોટલોને પણ દંડ કર્યો હતો. આમ, મારી પાંચ વર્ષની ઝુંબેશથી અત્યારે લગભગ બધી જ હોટલોવાળા પાણીની બોટલ પર લખેલી MRP મુજબ ભાવ લેતા થઇ ગયા છે, તેથી મારી મહેનત સફળ થઇ છે એનો મને આનંદ થયો છે.
રોહિતભાઈ પટેલ એ વધુમાં જણાવ્યું હતું કે મેં કરેલી ફરિયાદ બાદ હું સતત વિભાગોની તપાસ ક્યાં સુધી પહોંચી એની જાણકારી મેળવતો હતો. ઘણી વાર મેં RTI કરીને પણ જાણકારી મેળવી છે, જેમાં ચોંકાવનારી વાત મારી સામે આવી હતી. ગ્રાહક સુરક્ષા અને તોલમાપ તરફથી MRP કરતાં વધુ ભાવ લેતી હોટલોમાં મારી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ હોટલો સામે માંડવાળ ફી લેવામાં આવી હતી, જેમાં હોટલ મેરિયોટને, રિજેન્ટા હોટલને, હયાત રિજન્સી પાસેથી અનુક્રમે 12 હજાર, 6 હજાર, અને 24 હજારની માંડવાળની રકમ લઈને દંડ ફટકારવા માં આવ્યો હતો.