પેગાસસના ઉત્પાદક એનએસઓ ગ્રુપ પર ઈઝરાયેલ ઓથોરિટીના દરોડા

પેગાસસ સોફ્ટવેરથી સમગ્ર વિશ્વમાં હજારો લોકોની જાસૂસી થઈ હોવાના અહેવાલોથી દુનિયાભરની સરકારોમાં દોડધામ મચી ગઈ છે. આ વિવાદના વૈશ્વિક સ્તરે પડઘા પડતાં ઈઝરાયેલની ઓથોરિટીએ ગુરુવારે પેગાસસ સોફ્ટવેર બનાવનારી કંપની એનએસઓ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડયા હતા. દરમિયાન મેક્સિકોના ટોચના સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, દેશની બે ભૂતપૂર્વ સરકારોએ વિપક્ષ, પત્રકારો પર નિરિક્ષણ રાખવાના આશયથી પેગાસસ સોફ્ટવેર ખરીદવા ૬.૧૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.

પેગાસસ સ્પાયવેરની ઉત્પાદક કંપની એનએસઓ ગ્રુપે જણાવ્યું હતું કે ઈઝરાયેલી ઓથોરિટીએ ગુરુવારે અમારી ઓફિસમાં આવી તપાસ કરી હતી. અમે પેગાસસ જાસૂસી વિવાદની તપાસ કરી રહેલી ઈઝરાયેલની ઓથોરિટી સાથે સંપૂર્ણ પારદર્શીતાથી કામ કરી રહ્યા છીએ. એનએસઓના પ્રવક્તાએ કહ્યું કે, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અમારી ઓફિસની તપાસ માટે આવ્યા હતા. અમે તેમની તપાસનું સ્વાગત કરીએ છીએ.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ તપાસથી એ હકીકતો સામે આવશે, જે અમે હંમેશા કહેતા રહ્યા છીએ. આ તપાસથી એ પણ સાબિત થશે કે પેગાસસથી કોઈ પણ પ્રકારની જાસૂસી કરાઈ નથી. એટલું જ નહીં તાજેતરમાં અમારી સામે થયેલા મીડિયા હુમલામાં ખોટા આક્ષેપો કરાયા હોવાનું પણ સાબિત થશે. ઈઝરાયેલની ઓથોરિટીએ મંગળવારે પણ એનએસઓ ગ્રુપની ઓફિસે દરોડા પાડયા હતા. આ સિવાય ઈઝરાયેલ તરફથી એક આંતર મંત્રાલય સમિતિની પણ રચના કરાઈ છે, જેને પેગાસસ જાસૂસી વિવાદ પર મીડિયા સંસ્થાઓના અહેવાલોનું આકલન કરવાની જવાબદારી સોંપાઈ છે.

પેગાસસ વિવાદે વૈશ્વિક સ્તરે હોબાળો મચાવતા ઈઝરાયેલે કહ્યું હતું કે તે ખૂબ જ ગંભીરતાથી આ વિવાદની તપાસ કરશે જ્યારે એનએસઓ ગ્રુપે કહ્યું હતું કે મીડિયાના અહેવાલો તદ્ન ખોટા છે અને તેની થીયરી બનાવટી છે. પેગાસસ સોફ્ટવેરના ઉપયોગનો આશય માત્ર સરકારોની ગુપ્તચર એજન્સીઓને આતંકવાદ અને ગૂનાઓ સામે લડવા માટે જ છે. એનએસઓ ગ્રુપે એમ પણ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ્સ દ્વારા પેગાસસનો ઉપયોગ કરાયો હોય તેવા લોકોની ઓળખ તેમને નથી, પરંતુ કોઈપણ ક્લાયન્ટ્સ દ્વારા સોફ્ટવેરનો દુરુપયોગ કરાયો હોવાનું જણાશે તો તેને બંધ કરી દેવાશે.

દરમિયાન મેક્સિકોના સુરક્ષા સચિવ રોજા ઇસેલા રોડ્રિગ્સે જણાવ્યું કે વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ સુધી દેશના પ્રમુખ રહેલા ફેલિપ કાલ્ડેરોન અને ૨૦૧૨થી ૨૦૧૮ સુધી પ્રમુખ રહેલા એકરિન પેના નીતોના શાસનમાં કરાયેલા ૩૧ કરાર રેકોર્ડ પર જોવા મળ્યા છે. કેટલાક કરાર અન્ય ઉપકરણોની ખરીદીના બતાવીને છુપાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે ઈઝરાયેલની સ્પાયવેર કંપની એનએસઓ ગ્રુપ સાથે અનેક કરાર પર ફ્રન્ટ અથવા શેલ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરાયા હતા, જેનો ઉપયોગ મેક્સિકોમાં લાંચની લેવડ-દેવડ અથવા ટેક્સથી બચવા માટે કરાતો હતો.

શેલ અથવા ફ્રન્ટ કંપનીઓ એવી કંપની હોય છે, જે માત્ર કાગળ પર બનેલી હોય છે અને તે કોઈ સત્તાવાર વેપાર નથી કરતી. આ કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવે છે. અગાઉ મની લોન્ડરિંગ સંબંધિ બાબતોના સરકારના એક ટોચના અધિકારીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે અગાઉની બે સરકારોના અધિકારીઓએ સ્પાયવેર ખરીદવા માટે લગભગ ૩૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.

મેક્સિકોના નાણાકીય ગુપ્તચર એકમના પ્રમુખ સેન્ટિયાગોએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે ભૂતપૂર્વ સરકારોના અધિકારીઓએ ઈઝરાયેલના એનએસઓ ગ્રુપ પાસેથી ‘સ્વાયવેર’ ખરીદવા માટે સરકારી ભંડોળમાંથી ૩૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો. એવું જણાય છે કે પેગાસસ સ્પાયવેર જેવા કાર્યક્રમોના ‘બિલ’માં વધારાની ચૂકવણીનો સમાવેશ થાય છે, જેને કદાચ લાંચના રૂપમાં અગાઉના સરકારી અધિકારીઓને પાછા અપાયા હશે.

સેન્ટિયાગો નીતોએ કહ્યું હતું કે એનએસઓને ચૂકવાયેલી રકમ અને જે રીતે તેની ચૂકવણી કરાઈ હતી, તેનાથી અગાઉથી જ સવાલોના ઘેરામાં આવી ચૂકેલા ટેલિફોન ટેપિંગ કાર્યક્રમમાં સરકારી ભ્રષ્ટાચારના સંકેત મળે છે. ટેલિફોન હેક કરવા માટે તે સમયે પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, વિપક્ષના નેતાઓને નિશાન બનાવાયા હતા, જેમાં વર્તમાન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર અને તેમના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *