અત્યાર સુધી ગુજરાત રાજ્ય ના છેલા સાઠ વર્ષોમાં, આ વખતે પહેલીવાર 6 મહિલા ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં પહોંચી છે! જેમાંથી 3 મહિલા ખેલાડી ઓલિમ્પિકમાં તો બીજા 3 મહિલા ખેલાડીઓ પેરાલિમ્પિકમાં છે. ઓલિમ્પિકમાં ગુજરાતની 3 મહિલા ખેલાડીઓને આ વખતે સફળતા હાંસલ થઈ નથી, પરંતુ પેરાલિમ્પિકમાં મહિલા ખેલાડીઓ ભારતને મેડલ અપાવે તેવી આશા છે.
ટોક્યો ઓલિમ્પિક માં ગુજરાત ની સ્વિમર માના પટેલ, ટેનિસ ખેલાડી અંકિતા રૈના તથા શૂટર ઈલાવેનિલ વલારીવન ને જીત સાંપડી નથી. પહેલી જ વાર ઓલિમ્પિકમાં જતા આ 3 મહિલા ખેલાડીઓ પાસેથી દેશ તથા ગુજરાતીઓને ઘણી આશા હતી. પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતના નસીબએ જોર કર્યું નહતું. પેરાલિમ્પિકમાં ગુજરાતમાંથી સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં 24મી ઓગસ્ટથી પેરાઓલિમ્પિકમાં વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
આપણા અમદાવાદની સ્વિમર એવી માના પટેલનું ઓલિમ્પિક ડેબ્યુ નિરાશાજનક રહ્યું છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઈનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી છે. માના પટેલ પોતાની હીટમાં બીજા ક્રમાંકે રહી હતી. જયારે તમામ હીટમાંથી ટોપ-16 સ્વિમર્સ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થયા હતા.
તમિલનાડુ માં જન્મેલી એવી ઈલાવેનિલ વલારીવન ટોક્યો ઓલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ફાઈનલ માટે ક્વોલિફાઈની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરનારા ઈલાવેનિલ ક્વોલિફાયર રાઉન્ડમાં 16મા ક્રમે રહી હતી.
ગુજરાતની જ અંકિતા રૈના કે જે હાલ માં મહારાષ્ટ્ર માં રહે છે, તેની પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટેનિસની રમતમાં પસંદગી થઈ હતી. સાનિયા મિર્ઝા સાથે ટેનિસ ડબલ્સની મેચમાં હતી. જેમાં યુક્રેનની જોડી સામેની પહેલી મેચમાં તેમની હાર થઈ હતી.