મુંબઇ અને અમદાવાદ વચ્ચે તૈયાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કોરોનાનો કેર વર્તાયો છે. કોરોનાની મહામારીને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગોકળગાય ની ગતિએ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી પ્રક્રિયાને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબમાં પડયો છે. આ જોતાં વર્ષ ૨૦૨૩માં બુલેટ ટ્રેન પૂર્ણ થશે તેવી જાહેરાત કરાઇ હતી પણ હજુ બીજા ઘણાં વર્ષો લાગી શકે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એવા બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં ૨૪૭.૭૨ હેક્ટર જમીન સંપાદન કરવાની છે જયારે ગુજરાતમાં ૬૧૨.૧૭ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવનાર છે. જોકે, ગુજરાતમાં મોટાભાગની જમીન સંપાદન થઇ ચૂકી છે પણ હજુ દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં જમીન સંપાદનના ભાવ-વળતરને લઇને વિવાદો નો નિકાલ આવ્યો નથી. ગુજરાત સરકારનું મહેસૂલ વિભાગ આ દિશામાં કાર્યરત છે.
મહારાષ્ટ્ર રાજ્ય માં ઉધ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદનની કાર્યવાહી ધીમી પડી છે. આ મુદ્દે લોકસભામાં કેન્દ્રના રેલ મંત્રાલયએ એવો પ્રત્યુતર આપ્યો હતો કે, કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અસર પડી છે. સમગ્ર કામગીરીમાં વિલંબ થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન કરવાની કામગીરીને વેગવાન બનાવવા પર તમામ જગ્યા એ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જાણીતું છે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. ચાલુ વર્ષે આ પ્રોજેક્ટ પાછળ રૂ.૨૦૯૦ કરોડનો ખર્ચ પણ થઇ ચૂક્યો છે. હવે આ પ્રોજેક્ટ ધમધમતો કરવા કેન્દ્રએ તૈયારીઓ આરંભી છે. જોકે, કેન્દ્રીય રેલ મંત્રાલયે એવો પણ ખુલાસો કર્યો છેકે, જયાં સુધી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી રીતે પતશે નહી ત્યા સુધી આ પ્રોજેક્ટ પણ કયારે પૂરી રીતે પતશે તે અત્યારથી કઈ કહી શકાય નહિ.