મહારાષ્ટ્ર મુંબઈ પોલીસને ગઈ કાલના રોજ શહેરના ત્રણ મોટા રેલવે સ્ટેશન (3 Railway station of Mumbai) અને બચ્ચન સાહેબ ના બંગલા ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) મળી છે. આવા ધમકીભર્યાં ફોન કૉલ બાદ પોલીસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. પરંતુ, પોલીસને તલાશી દરમિયાન કંઈ મળ્યું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
PTI સાથે વાતચીત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમ ઉપર શુક્રવારે રાત્રે આ ધમકી યુક્ત ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતુ કે, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલામાં બોમ્બ રાખવામાં આવ્યો છે.
ઉપરાંત અધિકારીએ કહ્યુ કે, ‘કૉલ મળ્યા બાદ રેલવે પોલીસ, રેલવે સુરક્ષા દળ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને સ્થાનિક પોલીસે આ જગ્યાએ પર તલાશી અભિયાન ચલાવ્યું હતું.’ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ જગ્યાઓ પર તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.’ હાલ આ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો લાદી દેવામાં આવ્યો છે. આગળ તપાસ હાથ ધરાઈ છે.