(UNSC – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ) માં ગઈકાલે સોમવારે મરીન સુરક્ષાનાં મુદ્દા પર ઓપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જાણીતું છે કે વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ UNSCએ પ્રથમ વાર રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. UNSCએ કહ્યું કે સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની રખેવાળી માટે સંયુક્ત રાષ્ટ્રનાં ચાર્ટર હેઠળ પોતાની પ્રાથમિક જવાબદારીની પુષ્ટી કરે છે, સાથે જ ચાર્ટરનાં ઉદ્દેશ્ય અને સિદ્ધાંતને બનાવી રાખવા માટેની પ્રતિબદ્ધતાની પુષ્ટી કરે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણે દરિયાઈ વેપારમાં થતી તકલીફો દૂર કરવી જોઈએ. આપણી સમૃદ્ધિ દરિયાઇ વેપારના સક્રિય પ્રવાહ પર આધારિત છે અને આ માર્ગમાં અવરોધો સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. મુક્ત સમુદ્રી વેપાર પ્રાચીન સમયથી ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. આજે દરિયાઈ માર્ગોનો ઉપયોગ આતંકવાદી ઘટનાઓ અને સમુદ્રના લુટેરાઓ માટે થઈ રહ્યો છે, તેથી અમે આ બાબત સુરક્ષા પરિષદમાં લાવ્યા છીએ.
પીએમ એ કહ્યું, હું દરિયાઇ સુરક્ષા માટે 5 મૂળભૂત સિદ્ધાંતો આગળ રાખવા માંગુ છું. પ્રથમ- કાયદેસર વેપારની સ્થાપનામાં અવરોધો વિના મુક્ત દરિયાઇ વેપાર. બીજું, દરિયાઈ વિવાદો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ઉકેલવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું, મહાસાગરો આપણી ધરોહર છે અને આપણા દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આ મહાસાગરો આપણા ગ્રહના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, કે કોઈ પણ દેશ એકલો દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓને સંબોધિત કરી શકતો નથી, યુએન સુરક્ષા પરિષદમાં આ મુદ્દા પર સર્વગ્રાહી રીતે વિચાર કરવો જરૂરી છે. દરિયાઇ સુરક્ષા માટે વ્યાપક અભિગમ દરિયાઇ ક્ષેત્રમાં પરંપરાગત અને બિનપરંપરાગત મુકાબલાનો સામનો કરતી વખતે કાયદેસર દરિયાઇ પ્રવૃત્તિઓનું રક્ષણ અને સમર્થન કરવું જોઈએ.
પીએમઓએ જણાવ્યું હતું કે, યુએનએસસીએ દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. ભારતે 1 ઓગસ્ટથી આ જવાબદારી સંભાળી છે. UNSCમાં માત્ર પાંચ સ્થાયી સભ્યો છે અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. અત્યારે ભારત સુરક્ષા પરિષદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય છે.