જાપાન માં યોજાયેલી ટોકિયો ઓલિમ્પિકની સફળતા બાદ હવે બધાની નજર આવનારી ઓલિમ્પિક પર છે. જે પેરિસમાં રમાવાની છે.ઓલિમ્પિકમાં જાત જાતની રમતો સામેલ કરાતી હોય છે ત્યારે હવે આઈસીસી(ICC) દ્વારા ક્રિકેટને પણ ઓલિમ્પિકમાં સ્થાન મળે તે માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનુ કહેવુ છે કે, 2028માં અમેરિકાના લોસ એન્જલિસમાં યોજનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને આ માટે એક વર્કિંગ ગ્રૂપ બનાવવામાં આવ્યુ છે. જેને ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે ઓલિમ્પિક કમિટી સમક્ષ જરૂરી કાર્યવાહી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. આશા છે કે, એ પછી 2032માં રમાનારી ઓલિમ્પિકમાં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવશે.
આપણે જાણીએ જ છે કે, ક્રિકેટમાં ઓલિમ્પિકને સામેલ કરવા માટેની માંગણી લાંબા સમયથી થઈ રહી છે. ભારત તરફથી ક્રિકેટ બોર્ડ કહી ચુકયુ છે કે, ઓલિમ્પિકમાં ક્રિકેટ સામેલ થયુ તો ભારત પોતાની ટીમ ચોક્કસ મોકલશે.આઈસીસીનુ કહેવુ છે કે, અમેરિકામાં જ 30 મિલયન ક્રિકેટ ચાહકો છે. આવામાં જો 2028માં ત્યાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે પ્રયત્નોને સફળતા મળે તો લોકોને અમેરિકામાં ક્રિકેટની રમતનો આનંદ મળશે.