INDIA: IPL ફેઝ-2ની મેચ જે BCCI એ UAEમાં આયોજિત કરી છે, તે માટે 46 પાનાંની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે. BCCI ફેઝ-2માં કોઇપણ પ્રકારની બેદરકારી દાખવવા માગતું નથી. IPL માટે જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન્સ માં નીચે મુજબ ના ઉલ્લેખો કરાયા છે.
46 પાનાંની હેલ્થ એડવાઈઝરી બહાર પાડીને એક સુરક્ષિત બાયો-બબલનું વાતાવરણ ઊભું કરવાનું પ્લાનિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટના આધારે, જો કોઇ ખેલાડી સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં. BCCIએ હેલ્થ એડવાઇઝરીમાં ઉલ્લેખ કર્યો છે કે બોલ સ્ટેન્ડ્સમાં જશે ત્યાર પછી ફોર્થ અમ્પાયર એ બોલને પોતાની પાસે રાખી લેશે અને નવા બોલ દ્વારા ગેમ શરૂ કરાશે.
બીજી બાજુ, ફોર્થ અમ્પાયર સ્ટેન્ડ્સમાં પહોંચેલા બોલને સેનિટાઈઝ કરીને ફરીથી વપરાશ થઈ શકે એના માટે ‘બોલ લાઇબ્રેરી’માં મૂકી દેશે. BCCIએ જણાવ્યું હતું કે IPLમાં ભાગ લેનાર તમામ ખેલાડી અને સ્ટાફનું વેક્સિનેશન થયું હોવું જોઇએ. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે UAEમાં આયોજિત ફેઝ-2મા વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા દર્શકોને પ્રવેશ અપાઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ BCCIએ સિક્સ માર્યા પછી નવા બોલ સાથે મેચ રમવાના નિયમને લાગુ કર્યો હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
BCCIના હેલ્થ એન્ડ સેફટી પ્રોટોકોલ અંતર્ગત જો કોઇ ખેલાડી અથવા અન્ય સ્ટાફ મેમ્બર કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો તેને ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન સંક્રમિત સભ્યનો 9મા અને 10મા દિવસે RT-PCR ટેસ્ટ કરાશે. કોરોના નેગેટિવ આવ્યા પછી પણ જો એ સભ્યમાં રોગનાં લક્ષણો જણાશે તો તેને ટીમના બાયોબબલમાં સામેલ નહીં કરાશે. દર્દી પહેલાં સંક્રમિત થઈ ચૂક્યો હોય તો એવી પરિસ્થિતિમાં ફોલ્સ પોઝિટિવ ટેસ્ટ પણ સામે આવી શકે છે. એવામાં દર્દીનો સેરોલોજી ટેસ્ટ સાથે રિપીટ RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. જોકે આવી સ્થિતિ સામે ન આવે એના માટે BCCI કુલ 14 બાયો સિક્યોર બબલ તૈયાર કરશે.