ગુજરાત રાજ્યમાં જુનિયર ડોક્ટરો દ્વારા પોતાની માંગણીઓને લઈને છેલા એક અઠવાડિયા થી હડતાળ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા તથા જામનગર સહિતના શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. જોકે સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ સમેટવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હડતાળ મામલે તબીબો સાથે ચર્ચા કરવા સરકારે તેમનો સંપર્ક કર્યો છે. મંગળવારે રાત્રે બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે બેઠક થઈ હતી. સુરતના પણ 30 ટકા જુનિયર ડોક્ટરે ઈમરજન્સી સેવામાં પાછા જોડાવાનો નિર્ણય કર્યો છે.
બી.જે મેડિકલ કોલેજના વડા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ડોક્ટર્સને બાંહેધરી આપતા હવે રેસિડેન્ટ ડોક્ટર્સ કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાવા માટે તૈયાર થયા છે. જોકે હજુ પણ તેઓ આરોગ્ય વિભાગ દ્વારા લેખિત બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખશે. અમદાવાદમાં જુનિયર ડોકટરોની હડતાળ સમેટવા માટે સરકાર તરફથી બેઠકોનો દોર શરૂ કરાયો છે.
નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 2000 જેટલા રેસિડન્ટ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ડોકટરની હડતાળના કારણે અનેક દર્દીઓને તકલીફ પડી રહી છે. ત્યારે સોમવારે ડોકટર્સે પોતાના સન્માન પત્ર પાછા આપવા PG ડિન પાસે પહોંચ્યા હતા. બીજી તરફ સરકાર પણ ડોકટરોની અમુક માંગ ગેરવ્યાજબી ગણાવી રહી છે પણ તે વ્યાજબી વાત કરવા તૈયાર હોવાના અણસાર આપી દીધા છે.
કોવિડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે.