ડીજીજીઆઇ(DGGI), મેરઠની ટીમે એસએનકે પાન મસાલાના માલિક નવીન કુરેલે અને ડાયરેક્ટર અવિનાશ મોદીની ધરપકડ કરી છે. ૨૪ કલાક સુધી ચાલેલી તપાસ પછી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ ૭૫ કરોડ રૃપિયાની જીએસટી ના કર ચોરી સાથે જોડાયેલો છે. આ કેસમાં અન્ય વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ જીએસટી એક્ટની કલમ ૧૩૨(૧) હેઠળ કરવામાં આવી છે. જીએસટી લાગુ થયા પછી કોઇ મોટા ઉદ્યોગપતિ શહેરમાં કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે.
જીએસટીની કલમ ૧૩૨થી હેઠળ જ જીએસટી અધિકારીઓને ધરપકડ કરવાની સત્તા મળી છે. પાન મસાલાના મોટા ઉદ્યોગપતિ નવીન કુરેલે અને અવિનાશ મોદીની ધરપકડ આ કાયદાના ભંગ બલ જ કરવામાં આવી છે. તેમના પર બિલ વગર ૭૫ કરોડ રૃપિયાનો માલ વેચવાનો આરોપ છે. મેરઠ કમિશનરની ટીમે કલમ ૧૩૨(૧) એ હેઠળ કેસ દાખલ કર્યો છે. જો જીએસટી કમિશનરની પાસે એવા કારણ છે જેનાથી પ્રમાણિત થાય છે કે ઉદ્યોગપતિએ કલમ ૧૩૨ની પેટા કલમ એ, બી, સી અને ડીમાં ઉલ્લેખિત કર ચોરીનો અપરાધ કર્યો છે તો જીએસટી કમિશનર આવા વિશેષ કેસોમાં જ્યાં કર ચોરીની રકમ બે કરોડ રૃપિયાથી વધારે હોય તો ધરપકડના આદેશ આપી શકે છે.
સમગ્ર દેશની પાન મસાલા બનાવતી કંપનીઓને મોટા ભાગનો કાચો માલ યુફલેક્સ નામની કંપની દ્વારા પૂરો પાડવામાં આવે છે. યુફલેક્સ દ્વારા સપ્લાય કરવામાં આવેલ પ્લાસ્ટિક પેકિંગ મટિરિયલ(પન્ની)ને જ્યારે પાન મસાલા કંપનીઓના વહી ખાતાઓ સાથે મેળવણી કરવામાં આવી તો ઇનપુટ અને આઉટપુટમાં ભારે અંતર જોવા મળ્યું હતું. એટલે કે યુફલેક્સ દ્વારા પેકિંગ મટિરિયલનું સપ્લાય વધારે કરવામાં આવ્યું જ્યારે પાન મસાલા કંપનીઓએ આ મટિરિયલને ઓછું દેખાડયું. આ અંતરની ગણતરી કરવાથી જીએસટી અધિકારીઓને ચોરીની રકમ મળી. ધરપકડ કલમ ૧૩૨(૧) એ હેઠળ કરવામાં આવી છે જેનો અર્થ થાય છે કે બિલ વગર માલ વેચવામાં આવ્યો હતો. કેશ ક્રેડિટ લેવામાં આવ્યું હતું. રોકડમાં જ માલ વેચવામાં આવ્યો હતો.
એસએનકે બ્રાન્ડના માલિકોની ધરપકડથી સમગ્ર દેશમાં પાન મસાલાના વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે. એસએનકેના માલિક નવિન કુરેલે અને ડાયરેક્ટર અવિનાશ મોદીની મૂવમેન્ટ પર જીએસટી ગુપ્તચર વિંગની છેલ્લા ઘણા સમયથી નજર હતી. એસએનકે પાન મસાલા બનાવનાર કંપની એ જે સુંગધી પ્રાઇવેટ લિમિટેડ માત્ર સાત વર્ષ જૂની કંપની છે. ૨૦ જૂન, ૨૦૧૩માં આરઓસી કાનપુરમાં આ કંપનીનું રજિસ્ટ્રેશન થયું હતું. આ કંપનીની શરૃઆત ફક્ત પાંચ લાખ રૃપિયાથી કરવામાં આવી હતી. પાંચ વર્ષ પહેલા એસએનકે બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી હતી. જોતજોતામાં કાનપુર બેલ્ટના ૭૦ ટકા બજાર પર એસએનકેનો કબજો થઇ ગયો હતો.