રાજયનાં વેરા વિભાગમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ભાવનગરમાંથી બહાર આવેલા રુ.૧૦૦૦ કરોડનાં બોગસ બીલીંગ કૌભાડનો છેડો હવે અધિકારીઓ સુધી પહોંચ્યો છે. ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ રાજકોટમાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર સહિત બે ઉચ્ચ અધિકારીઓને આજે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતા વિભાગમાં જાણે ફાળ પડી હતી.
જીએસટી(GST) એન્ફોર્સમેન્ટ વીંગ હેઠળનાં રાજકોટ ફલાઈંગ સ્કવોડનાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સંજય ગાંધી અને આસિ. કમિશનર તરીકે ફરજ બજાવતા એચ.કે.માલવીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાયબ કમિશનર સંજય ગાંધી અગાઉ ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા અને દોઢ – બે મહિના પહેલા જ તેમને જીએસટી રાજકોટ મોબાઈલ સ્કવોડનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સહાયક કમિશનર એચ.કે.માલવીયા પણ ભાવનગર ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જ તેની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી હતી.
ભાવનગરનાં કરોડોનાં સ્ટેટ જીએસટીનાં બોગસ બીલીંગ કૌભાંડમાં અધિકારીઓની પણ મીલીભગત બહાર આવી રહી છે. વિભાગમાં આ મામલો હાલ ભારે ચર્ચામાં છે. અધિકારીઓનાં જણાંવ્યા મુજબ સામાન્ય રીતે કોઈ અધિકારી સામે ખાતાકીય તપાસનાં આદેશો કર્યા બાદ તેમાં સંડોવણી ખુલે તો સસ્પેન્ડ કરવાનું પગલું લેવામાં આવે છે પરંતુ આજે બે અધિકારીઓને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવતા સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો હોવાના સંકેતો આપ્યા છે. રાજકોટ સ્ટેટ જીએસટીનાં બે કર્મીઓ લાખોની લાંચમાં ઝડપાયા તે પ્રકરણની ચર્ચા હજુ શમી નથી ત્યાં આજે બે ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા કચેરીમાં સોપો પડી ગયો છે. સસ્પેન્ડ નો હુકમ અમદાવાદથી આવેલા ઉપરી અધિકારીઓએ હાથો હાથ આપ્યાની પણ ચર્ચા છે.