અફઘાનિસ્તાનમાં તાલિબાન બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના નવ પ્રાંતો પર કબજો કરી લીધો છે. માત્ર એક જ દિવસમાં બીજા ત્રણ પ્રાંત કબજે કરી લીધા હતા.
અફઘાનિસ્તાનમાં કુલ 34 પ્રાંત છે જેમાંથી 9 પર તાલિબાને છ જ દિવસમાં કબજો કરી લીધો છે. જ્યારે બીજી તરફ તાજેતરના સૈન્ય હુમલામાં તાલિબાનના વધુ 450 જેટલા આતંકીઓ ઠાર મરાયા છે. ડરના માર્યા અફઘાનિસ્તાનના નાણા મંત્રી ખાલિદ પાયંડાએ રાજીનામુ આપીને દેશ છોડી દીધો છે અને વિદેશ ભાગી ગયા છે. ટ્વિટરના માધ્યમથી તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. ઇયુના એક અિધકારીએ દાવો કર્યો હતો કે હાલ અફઘાનિસ્તાનના આશરે 400 જિલ્લામાંથી 230 પર તાલિબાને કબજો કરી લીધો છે.
હાલ તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજાની તૈયારીમાં છે. કાબુલ તરફના બધા જ હાઇવે પર તાલિબાને કબજો કરી લીધો છે. જ્યારે કાબુલને જે ક્ષેત્રમાંથી વીજળી મળી રહી છે તેના પર પણ તાલિબાને કબજો કરી લીધો છે. તેથી હવે ગમે ત્યારે કાબુલ પણ તાલિબાનના હાથમાં આવી શકે છે. યુનિસેફે કહ્યું છે કે તાલિબાનીઓએ કંદહાર, ખોસ્ટ અને પાક્તિયામાં 27 બાળકોની હત્યા કરી નાખી છે. આમ નાગરિકો હવે તાલિબાનથી ડરીને સુરક્ષીત સ્થળ શોધી રહ્યા છે.