ગુજરાત: ગાંધીનગરમાં (Gandhinagar) વડાપ્રધાન મોદી (PM Modi) અને વાહન વ્યવહાર મંત્રી ગડકરી (Transport Minister Nitin Gadkari) અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Cm Rupani) હાજરીમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (New Scrappage Policy) જાહેર કરી હતી. પીએમ મોદીએ કરેલી જાહેરાત મુજબ વર્ષ 2005 પહેલાનાં વાહનો ભંગારમાં જશે. દેશમાં હવે વર્ષ 2005 પહેલાંના જૂના વાહનોનો વૈજ્ઞાનિક પદ્ધતિએ નિકાલ કરવામાં આવશે. જોેકે, આ વાહનો ઉંમર નહીં પરંતુ ફિટનેસના આધારે ભંગારમાં મોકલવામાં આવશે. નવી પોલિસી મુજબ 2005 પહેલાંના વાહનોને ભંગારમાં નાખવામાં આવશે અને ‘કચરામાંથી કંચન’ પેદા કરવામાં આવશે.
ગાંધીનગર માં પીએમ મોદીએ નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરતા જણાવ્યું કે આ પોલિસી મુજબ 2005 પહેલાંના વાહનોનું વૈજ્ઞાનિક પરીક્ષણ થશે. ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા વાહનના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવશે. વાહન કેટલું જૂનું છે. વાહનનું સ્વાસ્થ્ય કેટલું સારું છે અને કેટલું ખરાબ છે તેના આધારે તેને વૈજ્ઞાનિક રીતે કચરામાં નાખવામાં આવશે. આ સ્ક્રેપમાં મોકલવામાં આવનાર વાહન ભંગારમાં જતા તેના માલિકને કેટલાક ફાયદાઓ પણ થશે.
પીએમ મોદીએ જણાવ્યું કે જૂનું વાહન જેનું ભંગારમાં જાય તેને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ દ્વારા નવું વાહન ખરીદવા જતા સમયે કેટલાક ફાયદોઓ થશે. જેમ કે તેને રોડ ટેક્સમાંથી મુક્તિ મળશે, રજિસ્ટ્રેશનનો ખર્ચ આપવો નહીં પડે. 21મી સદીનું ભારત ક્લિન, કન્જેશન ફ્રી અને કન્વીનિયન્ટ મોબિલિટીનું લક્ષ્ય લઈ ચાલે તેવી સમયની માંગ છે.
પીએમ મોદીએ જણાવ્યું કે જે વ્યક્તિનું વાહન ભંગારમાં જશે તેને મુખ્યત્વે પાંચ ફાયદા થશે. પ્રથમ ફાયદો એ થશે કે આ વાહનના મેઇન્ટેનન્સ ખર્ચમાંથી મુક્તિ મળશે. આ વાહન પ્રદૂષણ ફેલાવતું અટકાવશે. ત્યારબાદ વાહનની માઇલેજના કારણે વધારે વપરાતા ઇંધણનો વપરાશ અટકશે. જૂના વાહનો વધુ ઇંધણ ખાય છે તેથી તેના ઇંધણના વધારે ખર્ચમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત જૂના વાહનના અકસ્માતની સંભાવના વધારે છે એટલે કે નવું વાહન ખરદીતા એ પણ એક ફાયદો થશે.
આ સાથે રાજ્યમાં અલંગ ખાતે પ્રથમ સ્ક્રેપ પાર્ક (Alang Scrap park) બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. દેશમાં અલંગ વહાણોના ભંગાર કરવા માટે ખૂબ જાણીતું છે. હવે આ સાથે રાજ્યમાં અલંગમાં અને કચ્છમાં સ્ક્રેપ પાર્ક બનશે. અલંગને વહાણ ભાંગવાનો મોટો અનુભવ છે ત્યારે આ સ્ક્રેપ પોલિસીથી હજારો રોજગારીની નવી તકો સર્જાશે. દેશમાં ઠેર ઠેર આવા સ્ક્રેપ પાર્ક ઉભા થશે જ્યાં દરેક રાજ્યના વાહનો ભંગારમાં જશે. ગુજરાતમાં 2004-05 સુધીમાં નોંધાયેલા ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 10.16 લાખ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 68.01 લાખ છે. ભારતની પોલિસી 1લી ઓક્ટોબર 2021થી લાગુ થશે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 20 વર્ષથી જૂનાં વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય અને રજીસ્ટ્રેશન રિન્યુ નહીં થાય તો 1લી જૂન 2024થી જે તે વાહનનું રજીસ્ટ્રેશન આપોઆપ કેન્સલ થઇ શકે છે.