AHMEDABAD: અમદાવાદ મ્યુનિ.ની બીઆરટીએસ(BRTS) બસ સેવામાં આવતીકાલ ૧૫મી ઓગસ્ટે ૪૦ અદ્યતન ઇલેક્ટ્રીક એસી બસોનો ઉમેરો થનાર છે. વસ્ત્રાલ સ્ટેન્ડ ખાતે મેયર કિરીટ પરમાર ‘ફ્લેગઓફ’ કરીને ધ્વજવંદનના સ્થળેથી બસ સેવાનો પ્રારંભ કરાવશે અને નવી બસો વસ્ત્રાલ સ્ટેન્ડથી ચાલુ થશે. હાલ ૧૦૦ ઇલેક્ટ્રીક બસો છે, તેમાં નવી ૪૦નો ઉમેરો થતા નાગરિકોની સુવિધામાં વધારો થશે.
શહેરમાં પ્રદુષણના ના ફેલાય તે માટે મ્યુનિ. દ્વારા ઇલેક્ટ્રીક બસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બસોને ચાર્જ કરવા વસ્ત્રાલ ડેપો ખાતે ૨૪ ઇલેક્ટ્રીક ચાર્જીંગ પોઇન્ટ ઉભા કરાયા છે. હાલ ૨૭૫ બસો બીઆરટએસની બસો દોડી રહી છે. જેનો ૧.૫૦ લાખ જેટલા પેસેન્જરો રોજ આવવા જવામાં ઉપયોગ કરી રહ્યા છે. હવે નવી બસો સાથે બસોની કુલ સંખ્યા ૩૧૫ થશે જેથી હાલની ફ્રિકવન્સીમાં વધારો થતાં લોકોને ઝડપથી બસ મળી રહેશે ઉપરાંત ભીડ ઓછી થતાં સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાશે.
ઇલેક્ટ્રીક બસોથી ધુમાડાનું પ્રદુષણ તો કાબુમાં આવે જ છે પણ અવાજનું પ્રદુષણ પણ નિયંત્રીત થાય છે. ઉપરાંત બસો વધતાં વધુ ને વધુ વિસ્તારોમાં સેવા પહોંચી શકે તેવા પ્રયાસો હાથ ધરાશે. પેસેન્જર વધતાં બીઆરટીએસનું સંચાલન કરતી જનમાર્ગ કંપનીની આવકમાં પણ વધારો થશે. ઉપરાંત ડ્રાઇવરો ને રોજગાર મળશે.