સ્વતંત્રતા દિવસના ૭૫મા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ(President) રામનાથ કોવિંદે દેશને અભિનંદન આપવાની સાથે સંસદમાં હોબાળો મચાવી રહેલા સાંસદોને તેમની જવાબદારીઓની પણ યાદ અપાવી. તેમણે કહ્યું સંસદ લોકતંત્રનું મંદિર છે, જ્યાં વાદ,વિવાદ અને સંવાદ મારફત જનતાનું કામ કરવાનું હોય છે.તેમણે નવા સંસદ ભવનને દેશની પ્રગતિ સાથે જોડતા કહ્યું કે નવું સંસદ ભવન વારસા પ્રત્યે સન્માન અને સમકાલીન વિશ્વ સાથે તાલ મિલાવીને ચાલવાની કુશળતાનું પ્રદર્શન કરશે. બે દિવસ પહેલાં જ સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના ભારે હોબાળા, શોરબકોર અને અવરોધોને ભેટ ચઢી ગયું હોવાને કારણે રાષ્ટ્રપતિનું આ વક્તવ્ય ઘણું મહત્વનું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણું લોકતંત્ર સંસદીય વ્યવસ્થા પર આધારિત છે. સંસદ એ લોકતંત્રનું મંદિર છે. તે જનતાની સેવા માટે જનતા સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાદ, વિવાદ અને સંવાદ મારફત ઉકેલ લાવવાનું મંચ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાષ્ટ્રજોગ ભાષણમાં ટોક્યો ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા ખેલાડીઓની પ્રશંસા કરી. ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓના દેખાવનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રયોગશાળાથી લઈને ખેતરો સુધીના ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું કૌવત બતાવી રહી છે. છોકરીઓની સફળતામાં ભવિષ્યમાં વિકસિત ભારતની ઝાંકી જોવા મળી રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થામાં વિશ્વાસ રાખનારા લોકો સાથે ચર્ચા-વિચારણાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે જમ્મુ-કાશ્મીરની જનતા અને વિશેષરૂપે યુવાનોને તેમની આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી.