ટુંક સમય માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ મળે તે માટે વિચારણા થઈ રહી છે તેવી જાણકારી આજે આઈસીએઆઈ (ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા) ની વડોદરા બ્રાન્ચ દ્વારા યોજવામાં આવેલી સ્ટુડન્ટ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
લગભગ બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ માટે યોજાયેલી કોન્ફરન્સમાં આઈસીએઆઈની સેન્ટ્રલ કમિટિના હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતાં. તેમણે જાણકારી આપતા કહ્યું હતું કે, કોરોનાકાળમાં ઈન્સ્ટિટયુટ દ્વારા તમામ પરીક્ષાઓ લેવામાં આવી છે. મહત્વનું પરિવર્તન એ આવ્યું છે કે, વિદ્યાર્થીઓની તમામ ઉત્તરવહીઓની ચકાસણી ઓનલાઈન કરવામાં આવી રહી છે અને આ જ રીતે ચકાસણી ચાલુ રહેશે.
સાથે સાથે ઈન્સ્ટિટયુટ દ્વારા હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા માટે પણ વિચારણા થઈ રહી છે. જેમાં પરીક્ષાનું કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ નહીં હોય પણ વિદ્યાર્થીને જ્યારે લાગશે કે તે પરીક્ષા આપવા માટે તૈયાર છે ત્યારે તે ઓનલાઈન પરીક્ષા આપી શકશે. સાથે સાથે વિદ્યાર્થીઓના કોર્સમાં પ્રેક્ટિકલ પર વધારે ભાર આપવાની નીતિ અપનાવવામાં આવી છે. જેના ભાગરુપે ત્રણ વર્ષની આર્ટિકલશિપમાં ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગની સમય મર્યાદા નવ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ઉપરાંત વિદ્યાર્થીઓની તૈયારી માટેના પુસ્તકોનુ કન્ટેન્ટ પણ ઘટાડવામાં આવશે.ફાઈનલ યરની પરીક્ષામાં એક પેપરની ઓપન બૂક એક્ઝામ લેવાનો નિર્ણય પહેલા જ અમલમાં મુકાઈ ગયો છે.