દિલ્હી ના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના પોતાના ભાષણમાં દેશના આગામી ૨૫ વર્ષના રોડમેપને રજુ કર્યો હતો. જેમાં સબ કા સાથ સબ કા વિકાસમાં હવે મોદીએ સબ કા પ્રયાસ સુત્રને પણ સામેલ કર્યું છે. આ દરમિયાન તેઓએ ૭૫ વંદે ભારત ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ લાલ કીલ્લા પરથી આઠમી વખત ઝંડો ફરકાવ્યો હતો. જે બાદ રાષ્ટ્રને સંબોધીત કર્યું હતું, આ દરમિયાન તેમણે વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી હતી. જેમાં સૌથી ચર્ચાસ્પદ જાહેરાત ૧૦૦ લાખ કરોડની એક યોજનાનો સમાવેશ થાય છે. જેને ‘ગતિશક્તિ યોજના’ નામ આપવામાં આવ્યું છે.
મોદીએ કહ્યું કે ગતિશક્તિ યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં આર્થિક જોન નિર્માણની નવી શક્યતાઓ વિકસિત થશે. ગતિની શક્તિ ભારતના કાયાકલ્પનો આધાર બનશે. દરમિયાન મોદીએ મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્લિમ, અશફાક ઉલ્લા ખાં, રાની લક્ષ્મીબાઇને યાદ કર્યા હતા. બાદમાં પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યા હતા.
સ્વતંત્ર દિન નિમિત ના પોતાના ૯૦ મિનિટના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કામગીરીઓના વખાણ કર્યા હતા, જેમાં ઓબીસી અનામતની દિશામાં આઠાવાયેલા પગલાને પણ યાદ કર્યું હતું. જેમાં રાજ્યોને ઓબીસીની યાદી તૈયાર કરવાની સત્તા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આઝાદીના ૭૫માં વર્ષમાં આપણી જવાબદારી છે કે આપણે નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્લ્ડ ક્લાસ મેન્યૂફેક્ચરિંગ અને ન્યૂ એજ ટેક્નોલોજી તરફ આગળ વધીએ.