હાલ ની પરિસ્થિતિ જોતા કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે એવું જણાય છે જેથી સરકાર હવે પ્રાથમિક વિભાગમાં ધો. ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ સપ્તાહમાં રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. દરમિયાન જન્માષ્ટમીનાં તહેવારો બાદ સપ્ટેમ્બરનાં આરંભથી પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ વર્ગો શરૂ થવાનાં સંકેતો શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ આપ્યા છે.
રાજયનાં શિક્ષણ મંત્રીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે તા. ૧પ ઓગસ્ટ બાદ ધો. ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવા અંગે કોર કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પુરી થઈ ગઈ છે અને કોરોના પર અંકુશમાં છે ત્યારે સરકાર બુધવારે પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. મહોરમ, રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો આ મહિનામાં આવી રહયા હોવાથી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા સરકાર નિર્ણય લે તેવી શકયતા શિક્ષણ વિભાગનાં સૂત્રોએ વ્યકત કરી છે.
રાજય પ્રાથમિક શિક્ષક સંઘે પણ હવે કોરોનાને લઈને સ્થિતિ સુધરી રહી છે ત્યારે વિધાર્થીઓને રોટેશન મુજબ બોલાવીને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સરકારને અનુરોધ કર્યો છે. કોવિડ ગાઈડ લાઈનને પાળીને હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. માર્ચ ર૦ર૦થી કોરોનાએ ગુજરાતમાં દસ્તક દીધી ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ છે. વાલીઓ અને શાળા સંચાલકો પણ એવું માની રહ્યાં છે. ઓન લાઈન શિક્ષણથી નાના બાળકો હવે કંટાળી ગયા છે કોરોના પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવી જોઈએ.