ભારત ના આસામ અને મિઝોરમ રાજ્યના પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણના ત્રણ સપ્તાહ બાદ સોમવારે મોડી રાત્રે થયેલા ફાયરિંગને (Firing)કારણે આંતર-રાજ્ય સરહદ પર ફરી તણાવ વધ્યો. ત્યારે મિઝોરમે આરોપ લગાવ્યો છે કે, આસામ પોલીસ કર્મચારીઓએ તેના નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જ્યારે આસામ રાજ્યએ (Assam)દાવો કર્યો હતો કે,સરહદની બીજી બાજુથી થયેલા ગોળીબારને કારણે પોલીસકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હતી.
ગયા મહીને, 26 જુલાઈના રોજ બે પૂર્વોત્તર રાજ્યોની પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં આસામના છ પોલીસકર્મીઓ સહિત સાત લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉપરાંત આ અથણામણ બાદ બંને રાજ્યો વચ્ચે સમાધાન થવાની પણ પહેલ કરવામાં આવી હતી.જેમાં મિઝોરમના કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner) એચ. દ્વારા સમાધાન માટે આસામને આમંત્રણ પણ આપવામાં આવ્યુ હતુ.
આસામના વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમ (Mizoram) દ્વારા ડાર્સિંગ હિલ્સની ટોચ પરથી બિલાપુર સરહદ નજીક અંધારામાં ગોળીબાર કર્યો હતો. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના બદલામાં આસામ પોલીસના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. મોડી રાત્રે થયેલા ફાયરિંગ બાદ હૈલાકાંડીના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ,સરહદ પર સુરક્ષાદળોના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આસામ-મિઝોરમ સરહદ પર તટસ્થ કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં મળી હતી,જેમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીએ હાજરી આપી હતી. ઉપરાંત આસામ અને મિઝોરમના પ્રતિનિધિઓએ 5 ઓગસ્ટના રોજ આઇઝોલમાં વાટાઘાટો કરી હતી અને આંતર-રાજ્ય સરહદ (Inter State Border Dispute) વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા સંમત થયા હતા.