ખુબ જ પ્રશંસનીય અને હીમતભર્યું કામ ભારત સરકારે અફઘાનિસ્તાનમાં પોતાના રાજદૂત અને રાજદૂતાવાસના બધા કર્મચારીઓને ભારત પરત લાવી કર્યું છે. કાબુલ પર તાલિબાનના કબ્જા પછી સુરક્ષાની વણસતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે અફઘાનિસ્તાન દૂતાવાસ ખાલી કરી દીધું. ભારતનું ખાસ વિમાન આ માટે ભારતીયોને ઇરાનના હવાઈ માર્ગે થઈને ભારત પરત લાવ્યું, લશ્કરી વિમાન હોવાથી તેણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ ન કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય હવાઈદળનું સી-૧૭ વિમાન સવારે ૧૧-૧૫ વાગે ગુજરાતમાં જામનગરમાં હવાઇદળના એરપોર્ટ પર ઉતર્યુ. તેના પછી પ્લેન દિલ્હીના હિન્ડન એરબેઝ ખાતે ઉડી ગયું.
ભારતીય દૂતાવાસના કેટલાય કર્મચારીઓના સામાન તાલિબાની આતંકવાદીઓએ છીનવી લીધો હતો. અધિકારીઓએ ભારતના રાજદૂત રુદ્રેદ ટંડન અને અન્ય અધિકારીઓ તથા દૂતાવાસના સુરક્ષા કર્મચારીઓ સહિત ૧૨૦થી વધુ લોકોને લઇને કાબુલના એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ પહેલા એક અન્ય સી-૧૯ વિમાન દ્વારા સોમવારે ભારતીય રાજદૂતાવાસના કેટલાક કર્મચારીઓને ભારત લવાયા હતા.
વિદેશ સચિવ એસ જયશંકર હાલમાં ચાર દિવસના અમેરિકાના પ્રવાસે છે. તેમણે અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિન્કેન સાથે કાબુલ એરપોર્ટના સંચાલનને લઈને ચર્ચા કરી. આ એરપોર્ટ હાલમાં અમેરિકાના કબ્જામાં છે. જયશંકરે કાબુલમાંથી ભારતીય અધિકારીઓને કાઢવા માટે અમેરિકન અધિકારીઓ સહિત કેટલાય લોકો સાથે વાતચીત કરી ત્યારે ભારતના સ્ટાફની વિદાય શક્ય બની હતી. કાબુલમાં તાલિબાનના કબ્જા અને અંધાધૂંધી વચ્ચે ભારતના રાજદૂતાવાસના સ્ટાફ અને આઇટીબીપીના જવાનોને નીકાળવા કોઈ મુશ્કેલીથી કમ ન હતુ. ભારત પરત ફરવાની આશામાં ભારતીય રાજદૂત સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા સ્ટાફ અને લોકોએ પૂરી રાત જાગતા-જાગતા પસાર કરી. સૂત્રોના જણાવ્યા મુજબ તાલિબાન લડાકુઓની નાકાબંદીની વચ્ચે ભારતીયોને પહેલા એકત્રિત કરવાનું કામ પાર પાડવામાં આવ્યું. તેના પછી તેમને સલામત એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા.
લગભગ સવારે સાત વાગે બધા વિમાનમાં સવાર થઈ ગયા. તેના પગલે દિલ્હીમાં પણ આ એરલિફ્ટને કોઓર્ડિનેટ કરી રહેલાઓએ રાહતનો શ્વાસ લીધો. લગભગ સાડા સાત વાગે ભારતીય હવાઈદળના વિમાને ઉડાન ભરી. વિમાન જ્યાં સુધી અફઘાનિસ્તાનની સરહદોની બહાર ગયું નહી ત્યાં સુધી બધાના ચહેરા પર ચિંતા હતી. બધા સુરક્ષિત ઘરે પાછા ફર્યા નો આનંદ પણ ક્યાંક ક્યાંક જોવા મળતો હતો.